સોનું આસમાને, તો ઇમિટેશન જ્વેલરી પણ ટોચ પર: ઇમિટેશન જ્વેલરી મેકિંગમાં રાજકોટ ભારતમાં પ્રથમ-સમગ્ર એશિયામાં બીજા નંબરે
સોના અને ચાંદીના ભાવ આસમાનને આંબી રહયા છે, ત્યારે મધ્યમવર્ગના માનવીઓના આભૂષણપ્રેમને રાજકોટનો ઇમીટેશન જવેલરી ઉદ્યોગ મહદઅંશે નિખારી રહયો છે. નમણી નાર માટે કાનની બુટ્ટીઓ – ઝુમકા, સ્ટડ, હૂપ્સ, લટકણીયા, ચાંદબાલી, ડાંગર, ઈયર કફસ, ઈયર ક્લાઇમ્બર્સ, ગળાનો હાર – ચોકર્સ, પેન્ડન્ટ સેટ, સ્ટેટમેન્ટ નેકલેસ, મંગળસૂત્ર, લોકેટ, કડલી, કડલા, બંગડીઓ, કડા, હાથના પંજા, પોચી, પગના પાયલ, ઝાંઝર, વીંછીયા, માછલી, માંગ ટિક્કા, કમરબંધ, કપલ વીંટીઓ, બાજુબંધ, નોઝ રિંગ્સ જેવા અગણિત ઘરેણાંઓ અવનવી ડિઝાઇનમાં જોવા મળે છે. પહેલી નજરે અસલી સોના-ચાંદીના દાગીના જેવું જ ફીનીશીંગ ધરાવતા આ તમામ ઘરેણાંઓ ખૂબ નજીવી કિંમતે ઇમિટેશન જ્વેલરીમાં મળી જાય છે. જેમાં અમેરિકન ડાયમંડ, કુંદન, ઓક્સિડાઇઝ્ડ ચાંદી અથવા રોજિંદા આભૂષણોથી લઈને બ્રાઈડલ આભૂષણો વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે. ચોખવટ ન કરીએ તો ભલભલી મહિલાઓ થાપ ખાઇ જાય એ હદની ઇમીટેશન જવેલરી સોનાચાંદીના સાચા આભૂષણોને ટક્કર મારી શકે છે.

ઇમીટેશનના ઘરેણાંઓમાં અવનવી ડિઝાઇન્સ જોવા મળે છે જેમાં ટ્રેડિશનલ, મોડર્ન, એથનિક, ફ્યુઝન, બોહેમિયન, બ્રાઇડલ, પાર્ટી વેર, એન્ટિક, ટેમ્પલ, સાઉથ ઇન્ડિયન સ્ટાઈલસ જોવા મળે છે. આવા ઘરેણાંઑ મોટે ભાગે ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર ઓક્સોડાઇઝ્ડ, અમેરિકન ડાયમંડ, કુંદન, પોલ્કી, ઝિર્કોન, પર્લ, ટેરાકોટા, સિલ્ક થે્રડ, મીનાકારી, જર્મન સિલ્વર જેવી ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ઘરેણાંઓ સમગ્ર ભારતમાં વેચાય છે તેમજ વેપારીઓ મારફતે ગલ્ફ દેશો, આફ્રિકા અને દક્ષિણ એશિયા, યુરોપના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રિ, દિવાળી અને લગ્નની સિઝનમાં માંગ સૌથી વધુ રહે છે, જે પરંપરાગત રીતે વેચાણનો પિક ટાઈમ ગણાય છે. ઇમિટેશન જ્વેલરી મેિંકગમાં રાજકોટ ભારતમાં પ્રથમ અને સમગ્ર એશિયામાં બીજા નંબરે આવે છે.

સંત કબીર રોડ, શિવશક્તિનગર અને પ્રજાપતિનગર જેવા વિસ્તારોમાં ઇમીટેશન જવેલરીના હજારો ઉત્પાદન એકમો ધમધમે છે. રાજકોટને એશિયાના સૌથી મોટા ઇમિટેશન જ્વેલરી માર્કેટ્સમાંનું એક માનવામાં આવે છે. પરંપરાગત રીતે, આ એકમો ઘરઆંગણે અથવા નાના વર્કશોપમાં કામ કરતા કુશળ કારીગરો પર આધારિત છે. દિનપ્રતિદિન મોંઘાં થતા જતા સોનાએ ઇમિટેશન જ્વેલરીની ખપત વધારી છે. ત્યારે ઇમિટેશન જ્વેલરી એસોસીએશનના અંદાજ મુજબ રાજકોટ અને આસપાસના જિલ્લાઓમાં અંદાજિત 5 લાખ થી વધુ લોકો ઇમિટેશન જ્વેલરીના નાના-મોટા કામ કરીને પોતાની રોજી-રોટી મેળવે છે. અંદાજિત 3.5 લાખ જેટલી મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે.
આ પણ વાંચો :રાજકોટમાં મચ્છરોનું હવે ડ્રોનથી કરાશે ‘એન્કાઉન્ટર’: કલાકના રૂ.500 ચૂકવાશે, મચ્છર ઉત્પત્તિ હોટસ્પોટની યાદી તૈયાર કરી ‘ઓપરેશન’ પાર પાડશે મનપા
રાજકોટના ઇમિટેશન જ્વેલરી ક્ષેત્રનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. 1500 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. રાજકોટ ખાતે યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સને લીધે સૂક્ષ્મ ડિઝાઇન, હસ્તકલા આધારિત ઉત્પાદનો અને દેશ-વિદેશમાં વ્યાપક બજાર પહોંચ માટે પ્રસિદ્ધ આ ઉદ્યોગ માટે અનેક નવી તકો ઊભી થઈ છે. ઇમિટેશન જ્વેલરી માર્કેટ આ પ્લેટફોર્મનો લાભ મેળવી વધુ ને વધુ ઉંચાઇઓને આંબશે, એમાં બેમત નથી.
