પુરુષો Grok AI પાસે મહિલાઓની નિર્વસ્ત્ર તસવીરો બનાવડાવે છે: શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ અશ્વિની વૈષ્ણવને પત્ર લખી કરી ફરિયાદ
સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને જેટલું સારું શીખવા મળે છે તેટલો જ તેનો દુરુપયોગ પણ થઇ રહ્યો છે. ખાસ કરીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કે AIના આવ્યા પછી સોશિયલ મીડીયાએ દાટ વાળ્યો છે અને ગમે તેની ગમે તેવી તસવીર અને વિડીયો બની રહ્યા છે. આવા ફોટા અને વિડીયો જોઇને ઘણા શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. હવે આવી પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મુકવા માટે શિવસેનાની મહિલા સાંસદ સામે આવી છે. મુંબઈના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રના પ્રસારણ અને આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને Grok AI સંદર્ભે ફરિયાદ કરી છે. તેમણે કહ્યું છે કે,પુરુષો આ ટુલનો ઉપયોગ કરીને મહિલાઓની વાંધાજનક તસવીરો બનાવે છે અને તેને ફેક એકાઉન્ટથી પોસ્ટ પણ કરે છે. કેટલીક કિસ્સામાં મહિલાઓની નિર્વસ્ત્ર તસવીરો પણ બનાવવામાં આવે છે અને પોસ્ટ કરવામાં આવે છે.
X ના AI ચેટબોટ Grok ના દુરુપયોગથી લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમ જણાવતા પ્રિયંકા ચતુર્વેદીએ ફરિયાદ કરી છે કે, પુરુષો કથિત રીતે મહિલાઓના ફોટા લૈંગિક બનાવવા માટે Grok AI સુવિધાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ મહિલાઓના ફોટા અપલોડ કરવા અને AI બોટને તેમના કપડાં ઓછા કરવા અને તેમનું લૈંગિક બનાવવા માટે કહેવામાં આવે છે.
આ પણ વાંચો :બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાન IPL 2026માં નહીં રમે: વિરોધને પગલે BCCIએ KKRને રિલીઝ કરવા આપ્યો નિર્દેશ
તેમના મતે, આ દુરુપયોગ ફક્ત નકલી એકાઉન્ટ્સ દ્વારા શેર કરાયેલા ફોટા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મહિલાઓને પણ લક્ષ્ય બનાવે છે જે પોતાના ફોટા ઓનલાઈન પોસ્ટ કરે છે.
આ પત્રમાં તેમણે કહ્યુ છે કે, એઆઈનો આવો ઘોર દુરુપયોગ થાય છે અને આશ્ચર્યની વાત એ છે કે Grok આવી વિનંતીઓ સ્વીકારીને તેનું પાલન પણ કરે છે. આ મહિલાઓની ગોપનીયતાનો ભંગ છે. તેમના ફોટાનો આવો ઉપયોગ ફક્ત અનૈતિક જ નહી પણ ગુનાહિત પણ છે.
આ પત્રની નકલો સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબે અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણનને પણ મોકલવામાં આવી હતી.
