રાજકોટના પશુપાલકના પુત્રને DSP બનાવવાના નામે 1.48 કરોડ પડાવી લેનાર ગુજરાતી ફિલ્મનો પ્રોડ્યુસર પકડાયો!
રાજકોટના નવાગામ ખાતે રહેતા પશુપાલકના પુત્રને ડીએસપી બનાવી દેવાના નામે પાલીતાણાના બે શખસોએ 1.48 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરને પકડી પાડી પાંચ દિવસના રિમાન્ડ ઉપર લીધો હતો.
આ અંગે જીલુભાઈ ભગાભાઈ ગમારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલાં તેઓ દ્વારકા ગયા ત્યારે તેમની મુલાકાત હરિ રાજાભાઈ ગમારા સાથે થઈ હતી.આ પછી હરિ અવાર-નવાર તેમના ઘેર આવતો હતો. દરમિયાન 2021-22માં હરિ ગમારા જીલુભાઈના ઘેર આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તેમના પુત્રને પોલીસ ખાતામાં પીએસઆઈની ભરતી ચાલુ છે તો પાસ કરાવવો હોય તો કહેજો. ત્યારબાદ જીલુભાઈએ હરિ ઉપર ભરોસો મુકી મોટા પુત્રની પોલીસમાં ભરતી કરાવવા માટે કહ્યું હતું. આ પછી હરિએ જીલુભાઈને કહ્યું હતું કે પાલીતાણામાં તેઓ જ્યાં રહે છે તે સોસાયટીમાં વિવેક પ્રવિણભાઈ દવે પણ રહે છે જેની રાજકીય નેતાઓ સાથે સારી ઓળખાણ છે. જો પુત્રને પોલીસમાં ભરતી કરાવવો હોય તો 50 લાખ જેવો ખર્ચ થશે તેમાંથી 15 લાખ એડવાન્સ આપવા પડશે.
આ પણ વાંચો :રાજકોટના જંગલેશ્વરમાં દબાણકાર મિલકતધારકોને માલિકી પુરાવા આપવા 3 દિવસની મહેતલ: જંત્રી વસુલી રેગ્યુલાઇઝ કરી આપવા માગણી
આ પછી જીલુભાઈએ 15 લાખ આપ્યા હતા પરંતુ પીએસઆઈનો ઓર્ડર ન થતાં 14 લાખ પરત આપ્યા હતા. આ પછી હરિ અને વિવેકે ખેલ શરૂ કરી જીલુભાઈના પુત્રને ડાયરેક્ટ ડીએસપી બનાવી દેશે તેમ કહીને 1.48 કરોડ રૂપિયા મેળવી લીધા હતા. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિવેક દવેની ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ પોલીસ વિવેક પાસેથી પૈસા રિકવર કરવા માટે તજવીજ કરી રહી છે. જ્યારે હરિ ગમારા હજુ ફરાર હોય તેની શોધખોળ ચાલી રહી છે. જાણવા મળ્યા પ્રમાણે વિવેક દવેએ ચારેક જેટલી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી હોવાનું સામે આવ્યું છે.
