164 બાળકને હાર્ટ, 43ને કિડની, 6ને લીવર, 31ને કેન્સરનું ‘દર્દ’: રાજકોટની આંગણવાડીમાં સ્વાસ્થ્યની ચકાસણી કરાતાં મળ્યુ ચોંકાવનારું પરિણામ
રાજકોટની હવા અને ખોરાક બન્ને સ્વાસ્થ્ય બગડવા માટે જવાબદાર બની રહ્યા હોય તેમ મોટેરા તો ઠીક હવે બાળકો ઉપર પણ તેની માઠી અસર પડી રહી છે. મોબાઈલનું અતિક્રમણ, ખેલકૂદનો અભાવ, જંકફૂડનું વધુ પડતું સેવન અથવા તો પૂરતી માત્રામાં પોષણક્ષમ આહાર ન લેવાને કારણે બાળકોમાં ગંભીર બીમારીઓ `ઘર’ કરવા લાગી હોવાનું મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા બાળકોની કરાયેલી સ્વાસ્થ્ય ચકાસણીમાં સામે આવ્યું છે.
કેન્દ્ર સરકાર હસ્તકના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શહેરની 90થી વધુ આંગણવાડીમાં કરાયેલી સ્વાસ્થ્ય ચકાસણીમાં 165 બાળકને હાર્ટ, 43ને કિડની, છને લીવર અને 31ને કેન્સરનું દર્દ હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય શાખાના આર.સી.એચ.ઓ. ડૉ.લલિત વાંઝા સહિતની ટીમે 1 એપ્રિલથી 23 ડિસેમ્બર દરમિયાન તમામ આંગણવાડીઓ, મહાપાલિકા હસ્તકની સ્કૂલ ઉપરાંત અન્ય સ્કૂલના મળીને કુલ 2,90,083 બાળકોની સ્વાસ્થ્ય ચકાસણી કરી હતી જેમાં અનેક બાળકોમાં નાની-નાની બીમારીઓ તો જોવા મળી જ હતી સાથે સાથે 225થી વધુ બાળકોમાં ગંભીર બીમારીનાં લક્ષણ જોવા મળતાં તેમના વાલીઓને આ અંગે જાણ કરી ઝડપથી સારવાર શરૂ કરાવવા માટેની સલાહ આપવામાં આવી હતી.
નિષ્ણાત ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે હજુ બાળકમાં બીમારીની શરૂઆત જ થઈ હોવાને કારણે જો સમયસર સારવાર મળી જાય તો સમય રહેતાં ઠીક થઈ જવાની શક્યતા રહે છે. જો કે બાળકના વાલીઓ ઈચ્છે તો તેમના બાળકની સારવાર મહાપાલિકા દ્વારા કરવામાં આવશે. આ માટે બાળકનું આરોગ્ય કાર્ડ કાઢી તેના હેઠળ રાજકોટ અથવા અમદાવાદ અને જરૂર પડે તો ગુજરાત બહાર પણ સારવાર કરાવી આપવામાં આવશે. આ સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
