નવીન પટનાયકનું રાજીનામુ : ૧૦મીએ ભાજપ સરકારના શપથ
24 વર્ષ બાદ ઓડિશામાં BJDનો અસ્ત આવ્યો : મોદીએ મતદારોનો આભાર માન્યો
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યપાલ રઘુબર દાસને આજે પોતાનું રાજીનામું સોંપ્યું સુપ્રત કરી દીધું હતું. આ સાથે જ બીજુ જનતાદળના ૨૪ વર્ષના શાસનનો અંત આવ્યો છે. બીજેડી ઓડિશા વિધાનસભાની ચૂંટણી હારી ગઈ છે અને તેને કુલ 147 બેઠકોમાંથી માત્ર 51 બેઠકો મળી છે. જ્યારે ભાજપને 78 બેઠકો મેળવી છે. હવે મોટાભાગે ૧૦ જુને ભાજપ સરકાર શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે.
કમિશનના ડેટા અનુસાર, કોંગ્રેસને 14 બેઠકો મળી હતી જ્યારે સીપીઆઈ(એમ)ને એક બેઠક મળી હતી. અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના લોકોનો આભાર માન્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે તેમની પાર્ટી તેમના સપના પૂરા કરવામાં કોઈ કસર છોડશે નહીં. ‘X’ પર એક સંદેશમાં વડાપ્રધાને કહ્યું, ‘ધન્યવાદ ઓડિશા! સુશાસન અને ઓડિશાની અનન્ય સંસ્કૃતિની ઉજવણી માટે આ એક મોટી જીત છે. લોકોના સપનાઓને સાકાર કરવા અને ઓડિશાને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભાજપ કોઈ કસર છોડશે નહીં.’ મોદીએ કહ્યું કે, ભાજપના મહેનતુ કાર્યકરોના પ્રયાસો પર તેમને ગર્વ છે.