ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરો : મદ્રાસ હાઇકોર્ટે ઓસ્ટ્રેલિયાને અનુસરવા કેન્દ્ર સરકારને કર્યું સૂચન
સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે તેટલું જ હાનીકારક પણ સાબિત થઇ શકે છે. ભારતમાં જ નહી પરંતુ વિશ્વના અનેક દેશોમાં આ અંગે ડીબેટ પણ થઇ રહી છે અને અનેક નિષ્ણાતોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવાની સલાહ પણ આપી છે. આવા સંજોગોમાં તાજેતરમાં ઓસ્ટ્રેલીયાએ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને હવે ભારતમાં આ અંગે ચર્ચા ચાલી છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલીયાની જેમ ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવાનું સૂચન કર્યું છે.
એક જાહેર હિતની અરજી ઉપર સુનાવણી કરતી વખતે જસ્ટિસ કે.કે. રામકૃષ્ણન અને જી. જયચંદ્રનની ડિવિઝન બેન્ચે આ સુચન કર્યું હતું. અરજદાર એસ. વિજયકુમારે કોર્ટમાં એવી અરજી કરી હતી કે, ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી અને બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી સરળતાથી ઉપલબ્ધ છે. દેશના તમામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સમાટે “પેરેન્ટલ વિન્ડો” સુવિધા ફરજિયાત બનાવવામાં આવે જેથી બાળકો વાંધાજનક સામગ્રીથી દૂર રહે.
હાઈકોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન નોંધ્યું કે માત્ર વેબસાઈટ બ્લોક કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં, કારણ કે આવી URL સતત બદલાતી રહે છે. કોર્ટે જણાવ્યું કે, ‘વાંધાજનક સામગ્રી જોવી કે નહીં તે વ્યક્તિગત પસંદગી છે, પરંતુ બાળકોના કિસ્સામાં આ જોખમ અનેકગણું વધી જાય છે. બાળકો શું જોઈ રહ્યા છે તેના પર માતા-પિતાનું નિયંત્રણ અને જાગૃતિ અનિવાર્ય છે. અરજદારની દલીલને સ્વીકારતા કોર્ટે કેન્દ્રને સલાહ આપી કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ સોશિયલ મીડિયા માટે વય મર્યાદા નક્કી કરતો કાયદો ઘડવાની શક્યતા તપાસવી જોઈએ.
બેન્ચે એવું સુચન કર્યું હતું કે, કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયાના સોશિયલ મીડિયા પ્રતિબંધ જેવો કાયદો ઘડવાનો વિચાર કરી શકે છે. જ્યાં સુધી આવો કાયદો પસાર ન થાય ત્યાં સુધી, અધિકારીઓએ જાગૃતિ અભિયાનને મજબૂત બનાવવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તે બધા ઉપલબ્ધ માધ્યમો દ્વારા સંવેદનશીલ જૂથો સુધી પહોંચે.
ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં વિશ્વનો સૌથી કડક સોશિયલ મીડિયા કાયદો પસાર કર્યો છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ વાપરવા પર પ્રતિબંધ છે. જો કંપનીઓ આ નિયમનું પાલન ન કરે તો તેમને કરોડો ડોલરનો દંડ ફટકારવાની જોગવાઈ છે.
