રાજકોટની 29 પે એન્ડ પાર્ક સાઈટનું કોઇ ‘લેવાલ’ નહીં! જાણો કયા નિયમનું પાલન કરવું ફરજિયાત અને શું છે પે & પાર્કિંગનો દર
આડેધડ વાહન પાર્ક થઈ જવાને કારણે ટ્રાફિકજામ, અકસ્માત સહિતની સમસ્યા વકરી રહી હોય રાજકોટ સહિત ગુજરાત આખામાં સરકાર દ્વારા પાર્કિંગ પોલિસી અંતર્ગત પે એન્ડ પાર્ક સાઈટ ઉભી કરવા હુકમ કરાતા જ મહાપાલિકા દ્વારા રાજકોટમાં 64 જેટલા સ્થળે સાઈટ તૈયાર કરવામાં આવી હતી. આ પૈકી 29 સાઈટનું વારંવાર પ્રયત્ન કરવા છતાં કોઈ જ `લેવાલ’ ન થઈ રહ્યું હોવાથી હવે ચોથીવાર ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાઈટસમાં સર્વેશ્વર ચોક, જ્યુબિલી માર્કેટ સહિતની સાઈટ સમાવિષ્ટ હોવાનું જાણવા મળ્યું છે.
થોડા સમય પહેલાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમુક સાઈટ ભાડે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જો કે 29 સાઈટ એવી છે જે ભાડે આપવા માટે ત્રણ-ત્રણ પ્રયાસ કરવા છતાં કોઈએ રસ ન દાખવતા ચોથી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરો દ્વારા તમામ સાઈટના ભાવ વધુ અને કમાણી ઓછી હોવાને કારણે ટેન્ડર ભરવાનું જોખમ ઉઠાવવામાં આવી રહ્યું નથી. આ ઉપરાંત સરકાર દ્વારા પે એન્ડ પાર્ક સાઈટમાં વાહન પાર્ક કરવાના ભાડામાં વધારો કરાયો હોવાને કારણે ભાડું બચાવવા માટે લોકો જગ્યા મળે ત્યાં પાર્કિંગ કરતા હોવાથી ધંધાર્થીઓને નુકસાન વેઠવું પડે છે.

સર્વેશ્વર ચોક સાઈટની વાત કરવામાં આવે તો આ સાઈટ એક વર્ષ માટે ભાડે આપવાની અપસેટ પ્રાઈસ 4.95 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત લાખાજીરાજ રોડ કે જે ટ્રાફિકથી ભરચક્ક વિસ્તાર ગણાય છે ત્યાંની સાઈટની એક વર્ષની અપસેટ પ્રાઈસ એક લાખ નક્કી કરવામાં આવી છે. હોસ્પિટલ ચોક પાસેની બે સાઈટની અપસેટ પ્રાઈસ 90-90 હજાર રૂપિયા છે. એકંદરે ત્રણેય ઝોનની મળી કુલ 29 સાઈટ માટે ચોથી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે જેની અંતિમ મુદત 19 જાન્યુઆરી સુધીની છે.
આટલા નિયમનું પાલન કરવું ફરજિયાત
- પાર્કિંગના નક્કી કરાયેલા ચાર્જ કરતા વધુ રકમ લેવાય તો 1000થી 10,000ની પેનલ્ટી
- પાર્કિંગ વ્યવસ્થા માટે રાખેલા માણસ પાસે આઈડી કાર્ડ હોવું જરૂરી નહીંતર 500ની પેનલ્ટી
- લોકો સાથે ગેરવર્તણુક કરે તો 1,000થી 5,000 સુધીની પેનલ્ટી
- ચેકિંગ દરમિયાન કોન્ટ્રાક્ટર-સ્ટાફ ગેરહાજર હોય તો 2,000ની પેનલ્ટી
- સાઈટનો અન્ય ઉપયોગ થઈ રહ્યાની ફરિયાદ મળે તો 1,000થી 10,000 પેનલ્ટી
- સાઈટનો અમુક હિસ્સો અન્ય કોઈ વ્યક્તિ કે એજન્સીને ફાળવાય તો 1,000થી 10,000 પેનલ્ટી
- પેટા કોન્ટ્રાક્ટ અપાય તો 5,000થી 20,000 સુધીની પેનલ્ટી
- ઈટીવીએમ મશીન બંધ હોય તો 48 કલાકમાં રિપેરિંગ જરૂરી નહીંતર દરરોજ રૂા.100ની પેનલ્ટી
- દિવસ દરમિયાન ઓછામાં ઓછું 12 કલાક સાઈટ કાર્યરત રાખી શકાશે નહીંતર 200થી 2,000ની પેનલ્ટી
- ભાવપત્રકનું બોર્ડ રાખવું ફરજિયાત નહીંતર દરરોજ 1,000ની પેનલ્ટી
- સાઈટ પર ગંદકી કે કચરો જોવા મળે તો સાફ ન થાય ત્યાં સુધી દરરોજ 500ની પેનલ્ટી
