મ્યાનમારમાં નોકરીના નામે મોટુ રેકેટ: ડેટા એન્ટ્રીની નોકરીની લાલચે 100થી વધુ ગુજરાતી ફસાયા
મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીની લાલચે ગયેલા રાજ્યના 100 જેટલા ગુજરાતી યુવાનો ફસાઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે. કેટલાક એજન્ટ દ્વારા યુવાનોને મ્યાનમારમાં નોકરીની લાલચ આપવામાં આવી હતી અને આ યુવાનો જયારે પહોંચ્યા ત્યારે તેમણે ફસાઈ ગયા હોવાની પ્રતીતિ થઇ હતી.
આ યુવાનો સાયબર ક્રાઈમ રેકેટ કે પછી કોઈ ઓનલાઈન છેતરપીંડીના નેટવર્કમાં ફસાઈ જાય તે પહેલા મોકો મળ્યે કંપનીમાંથી ભાગી ગયા હતા. આ યુવાનોએ હાલમાં મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં એક એન.જી.ઓ.માં શરણ લીધું છે. આ યુવાનોમાં વડોદરાના સાવલી તાલુકાના જ 10 યુવાનો છે.
આ પણ વાંચો :રાજકોટમાં 300 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ પકડાયું: CGSTની ટીમનું મોટું ઓપરેશન,ત્રિપુટીની ધરપકડ, મોટા દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા
વાઇરલ વીડિયોમાં યુવકોએ જણાવ્યું છે કે તેમનું ઇમિગે્રશન થઈ ગયું હોવા છતાં છેલ્લા 20 દિવસથી કોઈ સત્તાવાર મદદ મળી નથી. તેમની પાસે રહેલા પૈસા ખૂટી ગયા છે અને મોબાઈલ બેટરી કે બેલેન્સ પણ અંતિમ ચરણમાં છે.આ યુવકોએ માત્ર વડોદરા જ નહીં, પણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોના 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયેલા હોવાનો દાવો વાઇરલ વીડિયોમાં કર્યો છે. આ યુવાનોના પરિવારજનોએ સરકાર અને વિદેશ મંત્રાલયને તાકીદે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે અને તમામને સલામત રીતે ભારત લાવવા અનુરોધ કર્યો છે.
