જામનગરના નિવૃત્ત PI પર ટ્રેનમાં હુમલો કરી લૂંટ ચલાવનાર ઝડપાયો:પંજાબ ભાગે તે પહેલા પોલીસે લીંબડીથી દબોચી લીધો
જામનગરની જયપ્રકાશ સોસાયટીમાં રહેતા નિવૃત્ત સીપીઆઈ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77) પર બુધવારે વહેલી સવારે જામનગરથી વડોદરા જતી ઈન્ટરસિટી ટ્રેનમાં હુમલોકરીને બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવનાર પંજાબના ધોલપુરના શખસને રાજકોટ રેલવે પોલીસે સતર્કતા દાખવી ઘટનાના ત્રણેક કલાકના સમયગાળામાં જ લીંબડી નજીકથી દબોચી લઈ હુમલા અને લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નિવૃત્ત સીપીઆઈ અમદાવાદ કોર્ટ મુદતે જવા આજે વહેલી સવારે જામનગરથી ઈન્ટરસિટી ટ્રેનમાં જવા નીકળ્યા હતા. સાથે બેસેલા મુસાફરે નિવૃત્ત પીઆઈ પાસેથી ફોન કરવા માટે ફોન માગ્યો હતો. અજાણ્યો શખસ હોવાથી ફોન આપવાની ના કહી હતી. જેથી ઉશ્કેરાઈ ગયો અને અપશબ્દો કહી મારા મારી કરી બે મોબાઈલ ફોન વૃધ્ધ નિવૃત્ત પીઆઈના હાથમાંથી આંચકી લીધા હતા.
ચાલુ ટ્રેન દરમિયાન વહેલી સવારે ટ્રેનમાં રહેલી આગ બૂઝાવવા માટેની લોખંડની બોટલ કપાળના ભાગે નિવૃત્ત પીઆઈને ફટકારી દઈને હુમલો કર્યો હતો. વૃધ્ધ લોહિયાળ હાલતમાં બેશુધ્ધ બની ગયા હતા. કપાળ, માથા અને પેટના ભગે ઈજા થઈ હોવાથી રાજકોટ રેલવે સ્ટેશને ટ્રેન પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ સંદર્ભે રાજકોટ રેલવે પોલીસના ઈન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણા, પીએસઆઈ બી.એસ. જાડેજા,જે.એમ. પરમાર, મધુરાજસિંહ જાડેજા તથા સ્ટાફ ઘટનાની ગંભીરતાને લઈને હુમલાખોર લૂંટારાને શોધવા એક્ટિવ થયો હતો. આરોપીએ નિવૃત્ત પોલીસ ઓફિસરના બન્ને ફોન લૂંટી લીધા હતા જે ફોન લોકેશન ટ્રેસ કરાયા હતા.
આરોપીનું રનિંગ લોકેશન મળતું હતું. ટીમ એ દિશામાં પીછો કરી શોધમાં લાગી હતી. લીંબડી નજીકથી આરોપી પંજાબના શખસ નિશાંત સિંઘ ગુલજાર સિંઘને વતન તરફ ભાગે એ પૂર્વે જ દબોચી લીધો હતો. રાજકોટ લઈ આવી ધરપકડ કરાઈ છે. આરોપીને ઝડપી પાડવા સ્ટાફના વનરાજભાઈ, મનસુખભાઈ, કાંતિલાલ, સાગરભાઈ, અનિલભાઈ જોડાયા હતા. આરોપી જામનગરમાં કંપનીમાં નોકરી કામ માટે આવ્યો હતો. જ્યાં મેળ ન પડતા વતન ધોલપુર માટે ટ્રેનમાં અમદાવાદ જવા નીકળ્યો હતો. માથાકૂટ કરતા રસ્તામાં ઉતરી અન્ય વાહનમાં જતો હતો. ભાડૂ ન હોવાથી વાહનધારક લીંબડી નજીક ઉતારી દીધો અને પાછળ રહેલી રેલવે પોલીસની ટીમે પકડી પડ્યો હતો.
