રાજકોટમાં 57 દિવસમાં બીજીવાર વડાપ્રધાનના પોસ્ટર પર સ્યાહી ફેંકાઈ: આરોપી પકડાતો જ નથી!
આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના હિતમાં ઠેર-ઠેર ગ્રાહકોના હક્ક સહિતની માહિતી આપતા પોસ્ટર મુકવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોટો મુકાયો છે. જો કે 57 દિવસની અંદર બીજી વખત એવું બન્યું છે જ્યાં પોસ્ટરમાં રહેલા વડાપ્રધાનના ફોટો ઉપર કોઈએ સ્યાહી ફેંકીને મોઢું કાળુ કરી નાખ્યું છે આમ છતાં પોલીસ હજુ સુધી આરોપી સુધી પહોંચી શકી નથી.
શારદા બાગ સામે ICICI બેન્ક સામે `જાણો તમારા હક, બનો સચેત’ના મથાળા હેઠળ પોસ્ટર મુકવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાનના ફોટો ઉપર કોઈએ સ્યાહી લગાવી દીધાનું ધ્યાન પર આવતા જ તાત્કાલિક આ પોસ્ટર દૂર કરવામાં આવ્યું હતું. બીજી બાજુ પ્ર.નગર પોલીસ મથક દ્વારા આ હરકત કરનારની શોધખોળ શરૂ કરાઈ હતી પરંતુ પોસ્ટર આસપાસ ક્યાંય સીસીટીવી ન હોવાથી આરોપી કોણ છે તેનો ખ્યાલ આવી શક્યો ન્હોતો. જો કે પોલીસ દ્વારા અન્ય સ્થળના સીસીટીવી ફૂટેજ બુધવારે બપોર સુધી ચેક કરાયા હતા જેમાં પણ કોઈ ધ્યાન પર આવ્યું નથી.
આ પણ વાંચો :મોબાઈલ રિચાર્જ મોંઘું અને CNG, PNG સસ્તા થશે! રિચાર્જ માટે વધુ પૈસા ખર્ચવા પડશે, કંપનીઓ ભારે વધારો કરે તેવી સંભાવના
ઉલ્લેખનીય છે કે અગાઉ 15 ઑક્ટોબર કે જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશવિશ્વકર્મા રાજકોટ આવી રહ્યા હતા ત્યારે બહુમાળી ભવન ચોક નજીક મુકાયેલા આવા જ એક પોસ્ટર પર સ્યાહી ફેંકવામાં આવી હતી. એ સમયે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે માનસિક અસ્થિર પ્રકારના શખસ દ્વારા આ કૃત્ય કરાયું છે પરંતુ આ શખસ પોલીસના હાથમાં આવ્યો ન્હોતો.
