રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ-2માં ફ્લેટમાં ધમધમતું કુટણખાનું પકડાયું: સંચાલક અને દલાલની ધરપકડ
રાજકોટમાં સ્પાના નામે ચાલતા કુટણખાના ઉપર પોલીસે લાલ આંખ કરી એક બાદ એક દરોડા પાડવાનું શરૂ કર્યું છે ત્યારે હવે ફ્લેટમાં ચાલતા દૂષણને પણ પકડવામાં આવી રહ્યું છે. આવો જ એક ગોરખધંધો શહેરના પોશ ગણાતા યુનિવર્સિટી રોડ પર જલારામ-2માં ચાલી રહ્યો હતો. જલારામ-2માં શેરી નં.4માં આવેલા હેતધારા કોમ્પલેક્સ ફ્લેટ નં.101માં ધમધમતા કુટણખાના ઉપર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી મહિલા સંચાલિકા અને દલાલની ધરપકડ કરી હતી.
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ વી.ડી.રાવલિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ઉપરોક્ત સ્થળે કુટણખાનું ચાલી રહ્યાની બાતમીના આધારે તેમણે ડમી ગ્રાહકને તૈયાર કરી હેતધારા એપાર્ટમેન્ટમાં મોકલ્યો હતો. મહિલા સંચાલિકા સાથે ભાવતાલ કર્યા બાદ જેવું ગ્રાહક તરફથી સિગ્નલ મળ્યું કે પોલીસે દરોડો પાડી સંચાલિકા માયા હરેશભાઈ કાકડિયા (ઉ.વ.32, રહે.મવડી, સ્મૃદ્ધ પાર્ક શેરી નં.1, મુળ વડોદરા) અને દલાલ સુમિત ઉર્ફે શની નિલેશભાઈ રામી (ઉ.વ.32, રહે.અમદાવાદ)ની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો :કરો રાજકોટનો વિકાસ : સરકારે વધુ 128 કરોડ ફાળવ્યા,રાજકોટ સહિત આઠ મહાપાલિકાને 2132 કરોડની ગ્રાન્ટ અપાઈ
આ પછી ઘરની તલાશી લેતાં અમદાવાદની બે અને યુગાન્ડાની એક યુવતી પણ મળી આવી હતી. આ ઉપરાંત ચોથી યુવતી કે જે ડમી ગ્રાહક સાથે રૂમમાં હતી તે પણ મળી આવી હતી. આ યુવતી અમદાવાદથી રાજકોટ આવી હતી. અહીં ગ્રાહકો પાસેથી માયા કાકડીયા 2500 રૂપિયા લેતી હતી અને તેમાંથી એક હજાર રૂપિયા ભોગ બનનારને ચૂકવતી હતી. પોલીસે ફ્લેટની તલાશી લેતા એક દારૂની બોટલ પણ મળી આવી હતી.
તપાસમાં ખુલ્યા પ્રમાણે માયા કાકડિયા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખીને આ પ્રકારને કુટણખાનું ચલાવતી હોવાનું અને તેનો આ ગોરખધંધો ઘણા મહિનાઓથી ચાલી રહ્યાનું સામે આવ્યું હતું.
