કાર્તિક શર્મા-પ્રશાંત વીર બન્યા કિંમતના ‘કિંગ્સ’ : IPL-2026ના મિનિ ઑક્શનમાં CSKએ બન્ને ખેલાડી ઉપર પૈસા વરસાવ્યા
ગ્લેમર અને નાણાંથી ભરપૂર ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ની 2026માં રમાનારી સીઝન માટે અબુધાબીમાં મંગળવારે મિનિ ઑક્શન (નાની હરાજી) યોજાઈ હતી. આ હરાજીમાં અનેક દિગ્ગજ ખેલાડીઓ ઉતર્યા હતા પરંતુ આખરે બાજી બે ભારતીય ખેલાડી કે જેમને હજુ ભારતીય ટીમની કેપ પણ `નસીબ’ થઈ નથી છતાં બાજી મારી લઈ કરોડો રૂપિયાની કમાણી કરી હતી. ઉત્તરપ્રદેશના 20 વર્ષીય ઑલરાઉન્ડર પ્રશાંત વીર અને રાજસ્થાનના 19 વર્ષીય બેટર-વિકેટકિપર કાર્તિક શર્માને ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20-14.20 કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આ બન્નેની મુળ કિંમત 30 લાખ હતી જેની સામે 48 ગણા રૂપિયા પ્રાપ્ત થયા હતા.
આ સાથે જ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા અત્યાર સુધીના IPL ઈતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી પણ બન્યા છે. આ બન્ને પાછળ ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાનું અડધું પર્સ વાપરી નાખ્યું હતું.
હરાજીમાં વિદેશી ખેલાડીઓની વાત કરવામાં આવે તો કેમરુન ગ્રીનને કોલકત્તા નાઈટ રાઈડર્સે બે કરોડની મુળ કિંમત સામે 25.20 કરોડ રૂપિયામાં ખરીદ કર્યો હતો. આ ઉપરાંત શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથીરાનાને બે કરોડ સામે 18 કરોડ રૂપિયા ચૂકવી ખરીદ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના મુસ્તાફિઝુર રહમાનને બે કરોડ સામે કેકેઆરે 9.20 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીરના બોલર આકીબ ડારને દિલ્હી કેપિટલ્સે 30 લાખની મુળ કિંમત સામે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ કર્યો હતો.
આ પણ વાંચો :આગામી માસથી ટીવીના ભાવ 3થી 5 ટકા સુધી વધી શકે છે
અનકેપ્ડ ખેલાડીઓની બોલબાલાઃ કોઈને 30 લાખ સામે પાંચ તો કોઈને ત્રણ કરોડ મળ્યા
મિનિ ઑક્શનમાં ભારતના અન્ય અનકેપ્ડ ખેલાડી તેજસ્વી સિંઘને 30 લાખ સામે 3 કરોડ ચૂકવી કોલકત્તા નાઈટ રાઈડર્સે ટીમમાં સામેલ કર્યો હતો. આ જ રીતે અક્ષત રઘુવંશીને 30 લાખ સામે 2.20 કરોડ ચૂકવી લખનૌ સુપરજાયન્ટસે ખરીદ કર્યો હતો. મંગેશ યાદવને 30 લાખની મુળ કિંમત સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 5.20 કરોડ રૂપિયામાં ખરીદયો હતો. આ ઉપરાંત નમન તીવારી, અમન ખાન, મુકેશ ચૌધરી, અશોક શર્મા, પ્રશાંત સોલંકી, કાર્તિક ત્યાગી, નમન તીવારી, દાનિશ માલેવાર, સુશાંત મિશ્રા, વિજ્ઞેશ પુથુર, યશરાજ પુંજા, સલીલ અરોરા, સાત્વિક દેશવાલ સહિતના ખેલાડીઓને 30 લાખથી લઈ 2.60 કરોડ રૂપિયા સુધીના પૈસા ઉપજ્યા હતા.
