કોમનવેલ્થ PT શિક્ષકો માટે તક બનશેઃ રાજયમાં 15 વર્ષ બાદ વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની તૈયારીઓ શરૂ
વિઝીટર અને સામાન્ય શિક્ષકોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં રમત ગમત શિક્ષણ અપાતું હતુંઃ સરકારમાં અનેક વખત રજૂઆત થઈ હતી, હવે કોમનવેલ્થનું યજમાનપદ અમદાવાદને મળતા ખેલક્ષેત્રમાં ફેરફાર આવશે, સ્કૂલ્સ કમિશનર કચેરીની મિટિંગમાં 5્રક્રિયા શરૂ
કોમનવેલ્થ ગુજરાતમાં યોજાવાની હોય જેને કારણે રાજ્યમાં 15 વર્ષ બાદ પીટી શિક્ષકોની ભરતી કરવામાં આવશે,જેના માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી અટકેલી રહી છે આ અંગે શિક્ષક સંઘો અને વ્યાયામ મંડળો દ્વારા પણ અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આ પ્રશ્નને લઈ ઉપેક્ષા થઈ હતી.
જ્યારે 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ અમદાવાદને મળ્યું હોય જેના કારણે રમતગમત ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે, કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા રમત ગમત નીતિનું પુનમૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સ્કૂલ્સ કમિશનર કચેરીએ વિશેષ કમીટીની બેઠક બોલાવી હતી,જેમાં જગ્યાઓની સંખ્યા, માપદંડો,ભરતી પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. લાંબા સમયથી વ્યાયામ શિક્ષકો માટેની ભરતી પ્રક્રિયા થઈ નથી જે હવે કોમનવેલ્થ ગેમ્સના કારણે યુવાનોને સ્પોટર્સ શિક્ષક તરીકે જોડાવાની તક મળી શકે તેમ છે. ઘણા સમયથી સ્કૂલોમાં રમતગમત ને પ્રાધાન્ય ન અપાયું હોય તેમ પ્રાથમિકથી લઈ હાયર સેક્નડરી શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ ન હતી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાસ રમતગમતના શિક્ષકના બદલે વિઝીટર અથવા તો સામાન્ય શિક્ષકોથી કામ ચલાવી લેવામાં આવી રહ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા વિકાસ અને સ્પર્ધાત્મક તૈયારીઓ પર અસર થઈ રહી છે.હવે કોમનવેલ્થને કારણે શાળાઓમાં રમત ગમતના શિક્ષકોને પુનઃ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં વેગ આવશે.
ભરતી થાય તો ગુજરાતનાં ગ્રાઉન્ડ ધમધમતા થશેઃ પ્રમુખ ભરતસિંહ પરમાર
રાજ્યના શિક્ષણ વિભાગમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થવી જોઈએ પણ બોર્ડ છેલ્લા 20 વર્ષથી ભરતી થઈ ન હતી. વર્તમાન સરકારને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક મહામંડળ તેમજ જિલ્લા કક્ષાના ઘટક સંઘ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકારના શિક્ષણ મંત્રીઓ, ખેલ મંત્રીઓને વાસ્તવિકતા સમજાતી નહોતી, રાજકોટ વ્યાયામ મંડળનાં પ્રમુખ ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી સીપીએડ બીપી એડ પીએચડી થયેલા વ્યાયામ શિક્ષક ભાઈઓ બહેનો પ્રોફેસર મજબૂરીના કારણે પ્રાઇવેટ શાળા અને કોલેજોમાં કામ કરવું પડતું હતું. પરંતુ ગુજરાતની અંદર કોમનવેલ્થ ગેમ્સ યોજવાની હોય ગ્રાઉન્ડ પર વ્યાયામ શિક્ષકો સિવાય તેનું પરિણામ સારું ના જ આવી શકે તે 20 વર્ષે સરકારને સમજાયુ લાગે છે, જેથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે ની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.સમગ્ર ભારતમાં દરેક રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની ભરતી તમામ વિષય શિક્ષકોની જેમ જ થાય છે તેમજ તેનું પગાર ધોરણ એ જ મુજબ રાખવામાં આવે છે ગુજરાતના શાળાઓમાં રમતના મેદાનો ધમધમતા થાય તેવી આશા છે. જેના માટે સરકાર ભરતી શરૂ કરે તેવી માંગણી રાજકોટ શહેર વ્યાયામ મંડળની છે.
