ભારત-રશિયા વચ્ચે શિખર મંત્રણા પૂરી: પુતિને કહ્યું- ભારતને ફ્યુઅલ સપ્લાય ચાલુ રહેશે,મોદીએ કહ્યું-રશિયન નાગરિકો માટે 30 દિવસના ફ્રી ઈ-ટુરિસ્ટ વિઝા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદી વચ્ચેની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે. હૈદરાબાદ હાઉસ ખાતે થયેલી મુલાકાત બાદ, બંને નેતાઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું જેમાં પીએમ મોદીએ આતંકવાદથી લઈને યુક્રેનમાં શાંતિ સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી. ભારતને પોર્ટેબલ પરમાણુ ટેકનોલોજી રશિયા આપશે. આ જાહેરાત પુતિન દ્વારા કરવામાં આવી હતી તેમજ બંને દેશો આર્થિક સહયોગ વધારશે. ભારતને ફ્યુઅલ સપ્લાય ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. પીએમ મોદીએ રશિયન નાગરિકો માટે 30 દિવસના ઈ-ટૂરિસ્ટ વિઝા અને 30 દિવસના ગ્રુપ ટુરિસ્ટ વિઝાની પણ જાહેરાત કરી. રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું કે રશિયા અને ભારત મજબૂત સંબંધો ધરાવે છે.
રશિયન નાગરિકો માટે 30 દિવસના વિઝા ફ્રી
પીએમ મોદીએ કહ્યું, “બંને દેશો વચ્ચે સ્નેહ અને આત્મસન્માનની લાગણી ઉભી થઈ છે. તાજેતરમાં, રશિયામાં બે નવા ભારતીય કોન્સ્યુલેટ ખોલવામાં આવ્યા છે. આનાથી બંને દેશોના નાગરિકો વચ્ચે સંપર્ક સરળ બનશે અને નિકટતા વધશે. ટૂંક સમયમાં, અમે રશિયન નાગરિકો માટે ફ્રી 30 દિવસના પ્રવાસી વિઝા અને 30 દિવસના જૂથ પ્રવાસી વિઝા રજૂ કરીશું. અમે વ્યાવસાયિક શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને તાલીમ પર પણ સાથે મળીને કામ કરીશું. બંને દેશોના વિદ્વાનો અને રમતવીરોનું આદાનપ્રદાન વધશે.”
આ પણ વાંચો :સાવધાન! હવે ઘર કે ઓફિસના CCTV હેક થવાનું જોખમ : રાજકોટનાં 33 કેમેરા સંવેદનશીલ,અમેરિકી સાયબર નિષ્ણાતે આપી ચેતવણી
ભારતને ફ્યુઅલ સપ્લાય ચાલુ રહેશે
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, “ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. વાતચીત સકારાત્મક અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થઈ. હું અને પ્રધાનમંત્રી મોદી નિયમિતપણે ફોન પર વાત કરીએ છીએ. અમે ભારતીય અર્થતંત્રના વિકાસને ટેકો આપવા માટે તમામ પ્રકારના ઇંધણનો અવિરત પુરવઠો ચાલુ રાખવા માટે તૈયાર છીએ. રશિયા ભારતના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણમાં પણ મદદ કરી રહ્યું છે. બંને દેશો ધીમે ધીમે ચુકવણીના સમાધાન માટે પોતપોતાના રાષ્ટ્રીય ચલણોના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. અમને આશા છે કે વાર્ષિક દ્વિપક્ષીય વેપાર $100 બિલિયન સુધી વધશે.”
“આ મિત્રતા આપણને વૈશ્વિક પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે,” પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આ વર્ષે ઓક્ટોબરમાં કાલ્મીકિયામાં આયોજિત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મંચમાં, લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોની મુલાકાત લીધી અને આશીર્વાદ મેળવ્યા. મને ખુશી છે કે અમે ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે 30 દિવસનો મફત ઇ-ટૂરિસ્ટ વિઝા અને 30 દિવસનો ગ્રુપ ટુરિસ્ટ વિઝા રજૂ કરીશું.” પીએમ મોદીએ કહ્યું, “મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં, આપણી મિત્રતા આપણને વૈશ્વિક પડકારોનો સામનો કરવાની શક્તિ આપશે, અને પરસ્પર વિશ્વાસ આપણા સહિયારા ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવશે.”
પીએમ મોદીએ યુક્રેન કટોકટી વિશે શું કહ્યું?
યુક્રેન કટોકટી પર બોલતા પીએમ મોદીએ કહ્યું, “યુક્રેન કટોકટી પછીથી અમે પરિસ્થિતિ પર ચર્ચા કરી રહ્યા છીએ, અને એક સાચા મિત્ર તરીકે, તમે અમને દરેક બાબતથી વાકેફ રાખ્યા છે. મારું માનવું છે કે વિશ્વાસ એક શક્તિશાળી શક્તિ છે, અને મેં આ મુદ્દા પર મારી સમજ શેર કરી છે: વિશ્વના કલ્યાણ માટે, આપણે બધાએ શાંતિના માર્ગો શોધવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. મને વિશ્વાસ છે કે વિશ્વ શાંતિ તરફ પાછું ફરશે.”
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “તાજેતરના ભૂતકાળમાં જ્યારે પણ મેં વિશ્વ નેતાઓ સાથે વાત કરી છે, ત્યારે મેં કહ્યું છે કે ભારત તટસ્થ નથી; ભારત શાંતિનો સમર્થક છે. અમે શાંતિ માટેના તમામ પ્રયાસો સાથે ખભા મિલાવીને ઉભા છીએ. કોવિડ-19 પછી આખી દુનિયાએ ઘણા સંકટ જોયા છે. મને આશા છે કે વિશ્વ પ્રગતિના માર્ગ પર આગળ વધશે. મને વિશ્વાસ છે કે આજે આપણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીશું જે બંને દેશો વચ્ચેના સંબંધોને વિસ્તૃત કરશે અને તેમને નવી ઊંચાઈઓ પર લઈ જશે.”
