છેલ્લા થોડા દિવસથી મેઘરાજા ગુજરાતમાં અવિરત વરસી રહ્યા છે જેના કારણે જનજીવન ખોરવાયું છે. સતત વરસાદ વરસવાથી અનેક નદીઓ બે કાંઠે થઈ છે તો અનેક ડેમ પણ ઓવરફ્લો થયાં છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે કચ્છના પ્રવેશદ્વાર સમાન મોરબી કચ્છ હાઇવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળતા નેશનલ હાઇવે બંધ કરાયો છે
માળીયા નજીક નેશનલ હાઇવે તૂટી જતા હજુ આગામી 24 કલાક સુધી હાઇવે શરૂ થાય તેવી શકયતા ન હોવાનું સામે આવ્યું છે, સાથે જ માળીયા મિયાણા તરફના તમામ હાઇવે પણ બંધ હોય મોરબી – માળીયા વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે. બીજી તરફ મચ્છુ -2 ડેમમાંથી પાણી છોડવાને કારણે બંધ કરાયેલ લીલાપર– રફાળેશ્વર હાઇવે આજે શરૂ કરાયો છે.ઉલ્લેખનીય છે કે મોરબી-કચ્છ હાઇવે હજુ 24 કલાક સુધી ન શરૂ થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાઇવે બંધ રાખવાનો નિર્ણય પણ લોકોની સલામતી માટે જ લેવામાં આવ્યો છે.
મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો બંધ કરાયા છે ત્યારે કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયાના ખીરઇ નજીક મચ્છુ નદીના પુરના પાણી ફરી વળતા હાઇવેમાં મસમોટા ગાબડા પડ્યા હોવાથી હાલમાં નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. વધુમાં મોરબી કચ્છ નેશનલ હાઇવે હજુ પણ આગામી 24 કલાક સુધી ચાલુ થાય તેવી શક્યતા નહિવત છે.