કોલકાતા ઈફેક્ટ : મહિલા ડોકટરોને નાઈટ શિફ્ટમાં લાગે છે ડર
IMAએ હાથ ધરવામાં આવેલા સર્વેમાં સામે આવી હકીકત
ડોકટરોને નાઈટ દરમિયાન ડ્યુટી રૂમ જ મળતો નથી
કોલકાત્તાની આર.જી. કર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યાની ઘટનાએ મેડીકલ જગતમાં ફફડાટ ફેલાવી દીધો છે. ખાસ કરીને મહિલા ડોકટરોમાં ભય વ્યાપ્યો છે. ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સ્તરના સર્વેમાં આ વાત બહાર આવી છે. આશરે ૩૫ ટકા મહિલા ડોક્ટરોએ નાઈટ શિફ્ટમાં નોકરી કરતા ડર લાગે છે તેવો મત વ્યક્ત કર્યો હતો.
આ સર્વેમાં લગભગ 22 રાજ્યોના ડોક્ટરોએ ભાગ લીધો હતો. એક ડૉક્ટરે તો ત્યાં સુધી કહ્યું કે તે હંમેશા તેની હેન્ડબેગમાં ફોલ્ડ કરી શકાય તેવી છરી અને મરીનો સ્પ્રે રાખતી હતી કારણ કે ડ્યુટી રૂમ અંધારા અને નિર્જન કોરિડોર પર હતો.
કેટલાક ડોકટરોએ ઇમરજન્સી રૂમમાં ગેરવર્તણૂકની ફરિયાદ કરી હતી. એક ડોક્ટરે જણાવ્યું કે, ભીડવાળા ઈમરજન્સી રૂમમાં તેને ઘણી વખત ખરાબ સ્પર્શનો સામનો કરવો પડ્યો હતો.
કેરળ રાજ્ય એકમના રિસર્ચ સેલના અધ્યક્ષ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે, લગભગ 22 રાજ્યોના ડૉક્ટરોએ સર્વેમાં ભાગ લીધો હતો. આ ઓનલાઈન સર્વે ભારતભરના સરકારી અને ખાનગી ડોક્ટરોને ગુગલ ફોર્મ દ્વારા મોકલવામાં આવ્યો હતો. 24 કલાકની અંદર 3,885 પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ હતી.
સર્વેમાં બહાર આવ્યું છે કે 45% ડોકટરોને નાઇટ શિફ્ટ દરમિયાન ડ્યુટી રૂમ મળતો નથી. અમુક ડ્યુટી રૂમ હતા જ્યાં ઘણી વાર ભીડ રહેતી. ત્યાં ગોપનીયતા માટે કોઈ સ્થાન ન હતું. દરવાજા પર તાળાં નહોતાં. જેના કારણે તબીબોને રાત્રે આરામ કરવા માટે બીજો રૂમ શોધવો પડ્યો હતો. કેટલાક ડ્યુટી રૂમમાં એટેચ બાથરૂમ પણ નહોતા.
ડો. જયદેવને જણાવ્યું કે, સર્વેક્ષણમાં જે બહાર આવ્યું છે તેમાં સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારવા, સીસીટીવી કેમેરા લગાવવા, સેન્ટ્રલ સિક્યોરિટી એક્ટ (સીપીએ)નો સમાવેશ થાય છે સંખ્યા મર્યાદિત કરવા, એલાર્મ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવા અને તાળાઓ સાથે સુરક્ષિત ડ્યુટી રૂમ જેવી સુવિધાઓ શામેલ છે.