જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનાનું સર્વેક્ષણ થશે કે નહિ ?
અલ્હાબાદ હાઇકોર્ટે સુનાવણી 1 લી ઓકટોબર પર રાખી
અલ્હાબાદ હાઈકોર્ટે અરજદારને જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સર્વેક્ષણની માંગ કરતી અરજી પર સોગંદનામું દાખલ કરવા અને અન્ય વાદી, લક્ષ્મી દેવીએ અગાઉ દાખલ કરેલ એફિડેવિટ વિશે માહિતી પ્રદાન કરવા જણાવ્યું હતું. કોર્ટે મંગળવારે કેસની આગામી સુનાવણી 1 ઓક્ટોબરના રોજ નક્કી કરી હતી.
એએસઆઇને સર્વે કરવા નિર્દેશ આપવા માંગ
જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે અરજદાર રાખી સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી પર આ આદેશ આપ્યો હતો. રાખી સિંહે 21 ઓક્ટોબર, 2023ના રોજ વારાણસીના જિલ્લા ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારતી આ રિવિઝન અરજી દાખલ કરી હતી, જેમાં જિલ્લા ન્યાયાધીશે એએસઆઇને જ્ઞાનવાપી મસ્જિદમાં વજુખાના વિસ્તાર (કથિત શિવલિંગ સિવાય)નો સર્વે કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
રિવિઝન પિટિશનમાં રાખી સિંહે શું દલીલ આપી?
વારાણસી કોર્ટમાં શૃંગાર ગૌરી પૂજાના દાવામાં સામેલ અરજદારોમાંના એક રાખી સિંહે તેની રિવિઝન અરજીમાં દલીલ કરી હતી કે વજુખાના વિસ્તારનો સર્વે ન્યાયના હિતમાં જરૂરી છે કારણ કે તે નિર્ણય પર પહોંચવામાં કોર્ટને મદદ કરશે. હિન્દુ પક્ષના વકીલો સૌરભ તિવારી અને અમિતાભ ત્રિવેદીએ દલીલ કરી હતી કે સમગ્ર મિલકતનું ધાર્મિક પાત્ર નક્કી કરવા માટે ASI દ્વારા વજુખાનાનો સર્વે કરાવવો જરૂરી છે. આ સર્વે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર બિન-આક્રમક પદ્ધતિઓનો ઉપયોગ કરીને શક્ય છે.