શ્રીલંકાની પોલીસે કોની ધરપકડ કરી ? વાંચો
શ્રીલંકાની પોલીસે આઈએસઆઈએસ આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવતા અને આતંકીઓના હેન્ડલર ગણાતા એક મોટા આતંકીની શનિવારે ધરપકડ કરી લીધી હતી. અમદાવાદમાં એરપોર્ટ પરથી પકડાયેલા 4 શ્રીલંકાના નાગરિકો અને આઈએસના આતંકીઓના આકા એવા આ હેન્ડલરને કોલંબોથી ઝડપી લેવાયો હતો.
પકડાયેલા આતંકી હેન્ડલરનું નામ પુષ્પરાજા ઉસ્માન છે. તેના માથા પર રૂપિયા 20 લાખનું ઈનામ જાહેર થયું હતું. શ્રીલંકા પોલીસને એવી શંકા છે કે અમદાવાદમાંથી પકડાયેલા 4 શ્રીલંકાના નાગરિકો અને આતંકીઓ સાથે તેનો સીધો સંબંધ હોવો જોઈએ. આ બારામાં તપાસ અને પૂછપરછ હાથ ધરાઇ છે.
ગત 19 મેના રોજ ગુજરાત એટીએસ દ્વારા એરપોર્ટ પરથી આઈએસઆઈએસ સાથે સંબંધ રાખનારા 4 લોકોની ધરપકડ કરાઇ હતી. આ લોકોએ એવી કબૂલાત પણ કરી હતી કે એમનો સંબંધ આતંકી સંસ્થા નેશનલ તોહીદ જમાત સાથે છે, ત્યારબાદ તેઓ આઈએસમાં શામેલ થઈ ગયા હતા.
અમદાવાદ એમને આતંકી અને હિંસક પ્રવૃત્તિ માટે મોકલવામાં આવ્યા હતા તેવી કબૂલાત પણ એમણે કરી હતી. ત્યાર બાદ હવે શનિવારે શ્રીલંકાની પોલીસે એમના જ હેન્ડલરની ધરપકડ કરી હતી. પૂછપરછમાં મોટા ધડાકા થઈ શકે છે.