દેશ અને વિદેશમાં ક્યાં આવ્યો ભૂકંપ ? વાંચો
દેશભરમાં ભારે વરસાદી માહોલ વચ્ચે ગુરુવારે ભૂકંપ આવતા લોકોમાં વધુ ભયનો માહોલ ફેલાયો હતો. અફઘાનિસ્તાનથી શરૂ થયેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે છેક દિલ્હી એનસીઆરથી લઈને જમ્મુ-કાશ્મીર તથા પાકિસ્તાન સુધી ધરતી હલી ગઈ હતી. ભૂકંપની તીવ્રતા 5.7 મપાઈ હતી જેને લઈને લોકોમાં ડર ફેલાયો હતો. ઉત્તર ભારતના રાજ્યોમાં ઝટકા લાગ્યા બાદ લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં પૃથ્વીના પેટાળમાં 255 કિ.મી.ની ઊંડાઈએ હતું. આ ભૂકંપ સવારે લગભગ 11 વાગ્યે આવ્યો હતો. જોકે કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઉત્તર ભારત સુધી ઝટકા અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે દિલ્હી, જમ્મુ-કાશ્મીર, ગુજરાત જેવા રાજ્યોમાં હાલ ભારે વરસાદ પહેલાથી જ તાંડવ મચાવી રહ્યો છે ત્યારે આ નવી આફતથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. દિલ્હીમાં પણ ઠેર ઠેર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ડરના માર્યા ઘર-ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં અગાઉ પણ 3 વખત ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.
નિષ્ણાતોએ એમ કહ્યું હતું કે જો ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન નહીં અને બીજે ક્યાંક નજીકમાં હૉત તો મોટા પાયે નુકસાની થવાની આશંકા હતી. જો કે આ ભૂકંપથી કોઈ નુકસાની થયાના અહેવાલો નથી.