હાઇ-વેના મુસાફરો માટે કેન્દ્ર સરકાર ટોલ નીતિમાં કેવા સુધારા કરવા જઈ રહી છે ? જુઓ
કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે, હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે વાર્ષિક ટોલ પાસ અને લાઇફટાઇમ ટોલ પાસની સુવિધા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આ બંને ટોલ પાસ એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જેઓ વારંવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરે છે. માહિતગાર સૂત્રોએ આ માહિતી આપી છે. જો કે કેન્દ્રીય મંત્રી ગડકરીએ બુધવારે એવો સંકેત આપ્યો હતો કે સરકાર ટોલ નીતિમાં વ્યાપક અને સારા ફેરફાર કરવાની તૈયારીમાં જ છે.
ટોલ પાસનો ખર્ચ કેટલો થશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાર્ષિક ટોલ પાસ માટે તમારે એકવાર 3,000 રૂપિયા ચૂકવવા પડશે. ૩,૦૦૦ રૂપિયા ચૂકવ્યા પછી, તમે આ પાસનો અમર્યાદિત ઉપયોગ કરી શકશો. તે જ સમયે, તમને 15 વર્ષ માટે આજીવન પાસ મળશે અને આ ટોલ પાસ માટે તમારે 30,000 રૂપિયા ખર્ચ કરવા પડશે.
તેનો અમલ ક્યારે થશે?
સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત હજુ પણ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પાસે અદ્યતન તબક્કામાં છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે મંત્રાલય ખાનગી વાહનો માટે પ્રતિ કિલોમીટર બેઝ ટોલ રેટ ઘટાડવાનું વિચારી રહ્યું છે, જે જો કરવામાં આવે તો હાઇવે પર મુસાફરી કરતા લોકોને રાહત મળશે. પાસ ખરીદવા માટે કોઈ અલગ કાર્ડ ખરીદવાની જરૂર રહેશે નહીં કારણ કે પાસ ફાસ્ટેગમા જડિત હશે.
વાર્ષિક ટોલ પાસ અને આજીવન ટોલ પાસની સુવિધા ક્યારે શરૂ થશે તે અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે લોકો માટે આ સુવિધા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
ગડકરીનો પણ સંકેત
દરમિયાનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એવું નિવેદન આપ્યું હતું કે સરકાર ટોલ નીતિમાં વ્યાપક ફેરફાર કરવાની તૈયારીમાં છે અને લોકોને રાહત મળે તેવા પ્રયાસ પર કામ ચાલી રહ્યું છે . જો કે એમણે વિસ્તૃત જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો.