ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી જનતાને શું અપાયા વચન ? શું કહ્યું ? જુઓ
અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વિજય રેલી યોજી હતી અને વોશિંગ્ટનમાં પોતાના હજારો સમર્થકોને સંબોધન કર્યું હતું. એમણે યુક્રેન અને રશિયા યુધ્ધ રોકવા તથા ત્રીજું સંભવિત વિશ્વ યુધ્ધ રોકવાની ખાતરી આપી હતી. સાથે ફરીવાર અમેરિકાને ગ્રેટ બનાવવાનું વચન પણ આપ્યું હતું.
ટ્રમ્પ દ્વારા જનતાને એવી ખાતરી અપાઈ હતી કે સલામતી માટે ખાસ પગલાં ભરાશે અને તેના માટે અમેરિકા માટે આયરન ડોમ સિસ્ટમ બનાવવામાં આવશે. અત્યારે આ સિસ્ટમ ઇઝરાયલ પાસે છે. સાથે એમ પણ કહ્યું હતું કે અપ્રવાસી લોકો અને ગેરકાયદે વસતા લોકોને દેશનિકાલ કરાશે. ઇમિગ્રેશન પર સખત પ્રતિબંધ મુકાશે .
એમણે જનતાને એવો વાયદો કર્યો હતો કે તેઓ ઐતિહાસિક ગતિ અને શક્તિ સાથે અમેરિકાના દરેક સંકટને હલ કરશે. એમ પણ કહ્યું કે કાલે સૂર્યાસ્ત સુધી આપણી પરના હુમલા બંધ થઈ જશે. એમની વાતો સાંભળી લોકોએ તાળીઓના ગડગડાટ કર્યા હતા.
ટ્રમ્પ જે સ્ટેડિયમમાં સંબોધન કરતાં હતા ત્યાં 20 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. ભારે અસહ્ય ઠંડી વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. એમણે વચન આપ્યું હતું કે મિડલ ઈસ્ટનું સંકટ પણ ખતમ કરી દઇશ. કેપિટલ હિંસા મામલામાં બધા સામેના કેસ પાછા ખેંચાશે અને માફી અપાશે.
ત્રીજું વિશ્વ યુધ્ધ રોકવા માટે પૂરતા પ્રયાસ કરીશ તેમ કહીને ટ્રમ્પ એમ બોલ્યા હતા કે તમે અંદાજ પણ નહીં કરી શકો કે હું આ કામ માટે કેટલો નજીક પહોંચી ગયો છું. યુક્રેન અને રશિયા યુધ્ધ પણ સમાપ્ત કરાવી દઇશ. આ ઉપરાંત લાખો ગેરકાયદે પ્રવાસીઓને દેશનિકાલ કરવાની ખાતરી પણ આપી હતી.