દેશમાં યુપીઆઈએ શું મોટી સિધ્ધી હાંસલ કરી ? શું થયું ? વાંચો
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈએ દેશમાં બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં 223 લાખ કરોડ રૂપિયાના 15,547 કરોડથી વધુ ટ્રાન્જેક્શન્સ યુપીઆઈ મારફત થયા છે. નાણા મંત્રાલયે તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટ દ્વારા ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ અંગે યુપીઆઈ સંબંધિત ડેટા શેર કર્યો હતો.

2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું. એક જ મોબાઈલ એપ્લિકેશનમાં મલ્ટીપલ બેન્ક ખાતાઓને એકીકૃત કરીને ઓનલાઈન ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવતી સિસ્ટમ યુપીઆઈએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં ગતવર્ષની તુલનાએ બમણા ટ્રાન્જેક્શન નોંધાયા છે.
આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબર સુધીમાં, 750 મિલિયનથી વધુ લોકોએ રૂ રૂ. 63,825.8 કરોડના ટ્રાન્જેક્શન યુપીઆઈ રૂપે ક્રેડિટ કાર્ડ મારફત કર્યા છે. નાણાકીય વર્ષ 2024માં, યુપીઆઈ રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શનની સંખ્યા 362.8 મિલિયન હતી, જેનું કુલ મૂલ્ય રૂ. 33,439.24 કરોડ હતું. સરકારે સપ્ટેમ્બર 2022માં રૂપે ક્રેડિટ કાર્ડ પર યુપીઆઈ વ્યવહારોની સુવિધા શરૂ કરી હતી. જેમાં યુઝર્સ યુપીઆઈ એપ્લિકેશનની મદદથી સરળતાથી ટ્રાન્જેક્શન કરી શકે છે.
દુનિયાભરમાં લોકપ્રિય
દેશની ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહી છે. યુપીઆઈ અને રૂપે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઝડપથી આગળ વધી રહ્યા છે. અત્યારે યુપીઆઈ 7 દેશોમાં કામ કરે છે. હવે દેશમાં તો શ્રમિકો પણ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. ભારતમાં તેની ક્રાંતિ જબરદસ્ત છે.
