યુધ્ધ વિરામની વાતો વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે શું થયું ? જુઓ
યુદ્ધવિરામ પ્રસ્તાવ છતાં રશિયા અને યુક્રેન વચ્ચે હુમલા ચાલુ છે. બંને દેશોએ શનિવાર રાત સુધી એકબીજા પર હવાઈ હુમલા કર્યા હતા જેમાં બંને પક્ષોએ પોતપોતાના પ્રદેશોમાં 100 થી વધુ ડ્રોન જોયા હોવાનો અહેવાલ અપાયો હતો.બંને દેશોના કેટલાક શહેરોમાં ઈમારતોને નુકસાની થઈ હતી.
બંને દેશોએ આ હુમલા એવા સમયે કર્યા છે જ્યારે 24 કલાકથી પણ ઓછા સમય પહેલા, રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુએસ એમ્બેસેડર સ્ટીવ વિટકોફને મળ્યા હતા અને યુક્રેન સાથે 30 દિવસના યુદ્ધવિરામના યુએસ પ્રસ્તાવ પર વિગતવાર ચર્ચા કરી હતી.
યુક્રેનની વાયુસેનાએ શનિવારે જણાવ્યું હતું કે રશિયાએ રાતોરાત 178 ડ્રોન અને બે બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા હતા. આ હુમલાઓ દરમિયાન હવાઈ સંરક્ષણને મૂંઝવણમાં મૂકવા માટે રચાયેલ શાહેદ પ્રકારના ડ્રોન અને ડિકોય ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે લગભગ ૧૩૦ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે ૩૮ વધુ ડ્રોન તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા હતા.
યુક્રેનિયન ખાનગી ઊર્જા કંપનીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયાએ ઊર્જા સ્થાપનો પર હુમલો કર્યો હતો, જેના કારણે ડિનિપ્રોપેટ્રોવસ્ક અને ઓડેસા પ્રદેશોમાં ઊર્જા માળખાને નોંધપાત્ર નુકસાન થયું હતું. કેટલાક રહેવાસીઓ વીજળી વગર રહી ગયા હતા. દરમિયાન, રશિયાના વોલ્ગોગ્રાડ ક્ષેત્રમાં, લુકોઇલ તેલ રિફાઇનરીની નજીક આવેલા ક્રાસ્નોઆર્મેસ્કી જિલ્લામાં ડ્રોન હુમલા થતાં કેટલીક ઈમારતોમાં આગ ફાટી હતી.