ચીન સામે અમેરિકાની કોર્ટે શું કર્યું ? કેવડો દંડ શા માટે ફટકાર્યો ? જુઓ
વિશ્વભરમાંથી કરોડોના જીવ લેનારી કોવિડ મહામારી માટે અમેરિકાની ફેડરલ કોર્ટે ચીનને દોષિત ઠેરવ્યું છે. જેના માટે ચીનને 24 અબજ ડોલરથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. ફેડરલ કોર્ટના જજે શુક્રવારે આ મામલે ચુકાદો આપતાં ચીનને કોવિડ મહામારીના તથ્યો છુપાવવા, વિશ્વને ગેરમાર્ગે દોરવા બદલ અને સુરક્ષાત્મક ઉપકરણોના સંગ્રહ બદલ દોષિત ઠેરવ્યું છે. જો કે ચીને કોર્ટમાં હાજર થવાનો ઇનકાર કર્યો હતો.
મિસૌરીના અધિકારી ચીનની સંપત્તિઓ જપ્ત કરી શકે છે. મહામારીના પ્રારંભિક દિવસોમાં એપ્રિલ, 2020માં મિસૌરી એટર્ની જનરલના કાર્યાલય દ્વારા દાખલ કેસમાં ચીનની સરકાર પર વાઈરસના ફેલાવા વિશે માહિતી છુપાવવા તેમજ વિશ્વના અન્ય ભાગોમાંથી પર્સનલ કેર, પીપીઈ, સુરક્ષા ઉપકરણોનો સંગ્રહ કરી વિશ્વમાં પુરવઠાની અછત ઉભી કરવાનો આરોપ હતો.
ચીનની કોવિડથી રક્ષણ આપતાં ઉપકરણોની જમાખોરીના કારણે અમેરિકામાં વાઈરસનો સામનો કરવા માટે મેડિકલ સર્વિસ પ્રોવાઈડર પાસે પર્યાપ્ત પુરવઠો રહ્યો ન હતો. નવો પુરવઠો ખરીદવો પણ મુશ્કેલ બન્યો હતો.
મિસૌરીના પૂર્વ જિલ્લાની અમેરિકાની કોર્ટના જજ લિંબાધે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી, સ્થાનિક સરકાર, સહિત દેશની સ્વાસ્થ્ય એજન્સી અને એક રિસર્ચ સેન્ટર વિરૂદ્ધ આ ચુકાદો આપ્યો હતો.