ઉત્તરપ્રદેશના આઝમ ગઢમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
કેટલા કરોડની યોજનાઓ આપી ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો ઝડપી ચુંટણી પ્રવાસ ચાલુ રાખ્યો હતો અને ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી હતી. શનિવારે એમણે વારાણસીમાં 28 કિમી લાંબો રોડ શો કર્યો હતો. રવિવારે આઝમગઢ જિલ્લાના મંદૂરી એરપોર્ટ પરિસરમાં 34,700 કરોડ રૂપિયાના 782 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા.
આ દરમિયાન તેમણે 12 નવા ટર્મિનલ ભવનો સહિત 15 એરપોર્ટ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છત્તીસગઢમાં મહતારી વંદના યોજના હેઠળ હપ્તા વિતરણ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
આઝમગઢમાં મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું, હતું કે ‘પૂર્વી ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશના પરિવારજનોના જીવનને સરળ બનાવવા માટે આપણી સરકાર દિવસ-રાત કામ કરી રહી છે. આઝમગઢમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યો છું.
ઉત્તરપ્રદેશની ઓળખ રેકોર્ડ માત્રામાં આવી રહેલા રોકાણથી થઈ રહી છે. ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરિમનીઝથી થઈ રહી છે. એક્સપ્રેસ-વેના નેટવર્ક અને હાઈવેઝથી થઈ રહી છે.’ આઝમ ગઢમાં કટ્ટરતા ખતમ થઈ છે અને કાયદાનું રાજ છે. આઝમ ગઢ હવે વિકાસનું ગઢ બની રહ્યું છે. પરિવારવાદીઓના ગઢ ધરાશાયી થયા છે.
મોદીએ જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો તેમાં આઝમગઢ, શ્રાવસ્તી, મુરાદાબાદ, ચિત્રકૂટ અને અલીગઢના એરપોર્ટ તથા ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લખનૌના નવા ટર્મિનલનું લોકાર્પણ સામેલ છે.
આ સિવાય તેમણે મહારાજા સુહેલદેવ રાજ્ય, યુનિવર્સિટી, આઝમગઢનું પણ લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટમાં રેલવે અને માર્ગ સહિત અન્ય પ્રોજેક્ટ પણ સામેલ છે. આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા.