પાકિસ્તાને ભારતને શું આપી ગિદડભપકી ? જુઓ
ભૂખના ભડાકા વચ્ચે પણ પાકિસ્તાનના શાસકો ભારત પ્રત્યે નકારાત્મક વાતો અને ડંફાસો મારીને વિશ્વને હસાવી રહ્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા ‘પાકિસ્તાનને બંગડીઓ પહેરાવવાનું’ નિવેદન આપ્યું હતું, જેના પર પાકિસ્તાનને ભારે મરચાં લાગી ગયા છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતના નેતાઓએ તેમના ચૂંટણી લાભ માટે પાકિસ્તાનને સ્થાનિક રાજકારણમાં ઢસડવાનું બંધ કરવું જોઈએ.
પાકિસ્તાને ભારતને ચેતવણી પણ આપી છે કે જો ભારત કોઈ પગલું ભરશે તો તેનો જવાબ આપતાં ખચકાશે નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પાકિસ્તાન અંગે વડાપ્રધાન મોદી અને અન્ય કેબિનેટ મંત્રીઓની ટિપ્પણીઓને લઈને એક નિવેદન આપીને કહ્યું કે, ‘અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતીય નેતાઓના આક્રમક નિવેદનો પર ધ્યાન આપવાનું આહ્વાન કરીએ છીએ. આ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે.
પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય નેતાઓ દ્વારા પાકિસ્તાન વિરોધી નિવેદનબાજીમાં વધારો થયો છે, જેને પાકિસ્તાન નકારે છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘અફસોસની વાત એ છે કે આ નિવેદનો પાકિસ્તાન પ્રત્યે નફરત અને ઊંડો ગુસ્સો દર્શાવે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ નિવેદનો જાણીજોઈને કરીને નેતાઓ ચૂંટણીલક્ષી લાભ માટે અતિ રાષ્ટ્રવાદનો લાભ લેવા માગે છે
પાકિસ્તાની પ્રવક્તાએ ભારત પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાને ભૂતકાળમાં પણ પોતાની રક્ષા કરવાનો સંકલ્પ બતાવ્યો છે અને જો ભારતીય પક્ષ કોઈ પણ દુઃસાહસ કરશે તો અમે ભવિષ્યમાં પણ તેનો જવાબ આપવામાં ખચકાશું નહીં.