કંગના રનૌતે રાહુલ ગાંધી વિષે શું કહ્યું ? વાંચો
હિમાચલ પ્રદેશના મંડીના ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે અદાણી ગ્રુપ અને સેબી ચીફ પર હિંડનબર્ગના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતાને સૌથી ખતરનાક, કડવા, ઝેરી અને વિનાશક વ્યક્તિ ગણાવ્યા છે.
થોડા મહિના પહેલા જ બોલિવૂડમાંથી રાજકારણમાં પ્રવેશેલી કંગનાએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. કંગનાની આ ટિપ્પણી રાહુલ ગાંધી દ્વારા સરકાર પરના તાજેતરના હુમલાના જવાબમાં આવી હતી.
કંગના રનૌતે સોમવારે સવારે એક્સ પર ટ્વીટ કરતાં લખ્યું કે, ‘રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે, તે કડવા, ઝેરી અને વિનાશક છે. તેમનો એજન્ડા છે કે, જો તેઓ વડાપ્રધાન ન બની શકે તો આ દેશને બરબાદ કરી શકે છે. દેશના શેરબજારને ટાર્ગેટ કરતો હિંડનબર્ગ રિપોર્ટ નકામો સાબિત થયો છે. રાહુલ ગાંધીએ તેને સમર્થન આપ્યું હતું. રાહુલ, આખી જિંદગી વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહો.’ કંગનાએ પોતાની આ પોસ્ટ સાથે હિંડનબર્ગ અને સેબી હેશટેગનો ઉપયોગ કર્યો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંડનબર્ગના દાવા અંગે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ એક પોસ્ટ શેર કરતાં લખ્યુ કે, દેશભરના નાના રિટેલ રોકાણકારોની સંપત્તિની સુરક્ષાનું દાયિત્વ ધરાવતા સેબીની શાખ પર અને સેબીના વડા સામે ચિંધાયેલી આંગળી અનેક સવાલો ઉભા કરે છે. રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગ્યો છે.