વડાપ્રધાને મહિલાઓને શું સલાહ આપી ? અપરાધ અંગે શું બોલ્યા ? જુઓ
કોલકાતાની સરકારી આરજી હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસ અને મહારાષ્ટ્રના બદલાપુરની એક સ્કૂલમાં માસૂમ છોકરીઓની જાતીય સતામણી સામે દેશભરમાં આક્રોશ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાઓને લઈને રવિવારે પહેલીવાર નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે અને આવા મામલામાં ગમે તે સ્તરે બેદરકારી હોય , તે તમામનો હિસાબ થવો જોઈએ. વડાપ્રધાને મહારાષ્ટ્રના જલગાંવમાં 11 લાખ નવી લખપતિ દીદીઓના સન્માન માટે આયોજિત કાર્યક્રમમાં આ વાત કહી હતી અને આવી ઘટનાઓ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
એમણે મહિલાઓને સંદેશો આપતા કહ્યું હતું કે કોઈ પણ આવી ઘટના બને ત્યારે મહિલાઓ હવે ઇ-એફઆઇઆર નોંધાવી શકશે. મહિલા સામેના અપરાધમાં અત્યંત કડક કાયદો બન્યો છે અને અમે ન્યાય સંહિતામાં પણ સુધારો કર્યો છે. જધન્ય અપરાધ માટે ફાંસી અને આજીવન કેદની સજાની જોગવાઈ છે.
મોદીએ રાજ્ય સરકારોને સંબોધીને પણ સંદેશ આપી દીધો હતો કે આવા અપરાધ આચરનાર અને તેને બચાવનાર કોઈને પણ છોડવા જોઈએ નહીં અને સખત સજા થવી જોઈએ. એમણે મહિલાઓને કહ્યું હતું કે ઇ એફઆઇઆરમાં કોઈ બદલાવ કરી શકે નહીં. પહેલા એફઆઇઆર જ દાખલ થતી નહતી. દોષિત ગમે તે હોય બચવો ન જોઈએ.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘મહિલાઓની સુરક્ષા આપણા દેશ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે હું ફરી એકવાર દેશના દરેક રાજકીય પક્ષો અને રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. ગુનેગાર કોઈ પણ હોય, તેને બક્ષવામાં ન આવે. જેઓ તેને કોઈપણ રીતે મદદ કરે છે તેઓને બચવા દેવાય નહીં. ગુનેગાર કોઈ પણ હોય, તેને બક્ષવામાં આવવો જોઈએ નહીં.
મોદીએ એમ પણ કહ્યું કે હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય કે પોલીસ તંત્ર… ગમે તે સ્તરે બેદરકારી હોય, બધાનો હિસાબ થવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે અમારી સરકાર મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને કડકમાં કડક સજા આપવા માટે કાયદાને સતત કડક બનાવી રહી છે.