આજથી વડાપ્રધાનની વાઈબ્રન્ટ વિઝીટ
- -ગાંધીનગરમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન ગ્લોબલ ટ્રેડ શો, રોડ શો, વાઈબ્રન્ટ સમિટ અને ગ્લોબલ ફિનટેક શો સહિતના અનેક કાર્યક્રમો
- -આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સહિતના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે તા. ૮મીએ રાત્રે ૮ વાગ્યે અમદાવાદ પહોચશે. આ મુલાકાત દરમિયાન તેઓ ગ્લોબલ ટ્રેડ શો, રોડ શો અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ ગીફ્ટ સિટીની મુલાકાત પણ લેવાના છે. તેમની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ગુજરાત ભાજપના નેતાઓને પણ મળવાના છે અને લોકસભાની આગામી ચૂંટણી અંગે ચર્ચા કરવાના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન સોમવારે રાત્રે અમદાવાદ આવીને રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે અને ત્યાર બાદ મંગળવારે સવારે મહાત્મા મંદિર ખાતે જશે અંત ત્યાં જુદા જુદા રાષ્ટ્રના વડાઓ સાથે બેઠક યોજશે. આ પછી બપોરે ૩ કલાકે તેઓ હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે.
આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, UAE -સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ ૨૦ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે.
આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ESDM, ફિનટેક, સાયબર સુરક્ષા, AI, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે. ટ્રેડ-શોમાં કુલ વિસ્તારનું ૧૦૦ ટકા બુકિંગ પૂર્ણ થયું છે.
મંગળવારે સાંજે તેઓ એરપોર્ટ ઉપર યુ.એ.ઈ. નાં રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે અને ત્યાંથી બંને મહાનુભાવોનો રોડ શો યોજાશે. સાબરમતી આશ્રમ ખાતે રોડ શો પૂરો થયા બાદ તેઓ હોટેલ લીલામાં બેઠક યોજશે.
આ પછી તા. ૧૦ના રોજ સવારે ૯-૪૫ વાગ્યે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે જયારે બપોરે ૨ વાગ્યે ગીફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક શોનું ઉદઘાટન કરશે અને સાંજે ૫ વાગ્યે ઓસ્ટ્રેલીયા યુનિવર્સીટીનું ઉદઘાટન કરશે. આ પછી તેઓ દિલ્હી રવાના થશે.
સ્થાનિક સુત્રો અનુસાર, વડાપ્રધાન મોદીની આ મુલાકાત ચૂંટણી સંદર્ભે પણ મહત્વની માનવામાં આવે છે. નરેન્દ્ર ભાઈ સોમવારે રાત્રે આવશે પછી તુરંત લોકસભાની ચૂંટણીને લઈને મોટી બેઠક યોજશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે. આ બેઠકમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને આગળની યોજનાઓ તૈયાર કરવામાં આવશે.