ટ્રમ્પ પાગલ છે, તેના હાથમાં અમેરિકા સલામત નથી: યુએસમાં પ્રચંડ દેખાવો
અમેરિકામાં ટ્રમ્પની વિનાશક નીતિઓ સામેનો વિરોધ હવે એક અભૂતપૂર્વ જનઆંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યો છે.કર્મચારીઓની છટણી, મોટાપાયે દેશનિકાલ, નાગરિકોના સ્વાતંત્ર્ય પર તરાપ તેમ જ હવે ટેરિફના વિરોધમાં ચાલતા વિરોધ પ્રદર્શનની શ્રેણીમાં શનિવારે સમગ્ર અમેરિકામાં યોજાયેલા ” હેન્ડસ ઓફ ” દેખાવોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ટ્રમ્પને પાગલ ગણાવ્યા હતા અને તેમના શાસનમાં અમેરિકા, અમેરિકાના હિતો અને અમેરિકન મૂલ્યો સલામત ન હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ટ્રમ્પ અને એલોન મસ્ક સામે શનિવારે યોજાયેલા દેખાવો 2017માં થયેલી વિમેન્સ માર્ચ અને 2020ના બ્લેક લાઇવ્સ મેટર પ્રદર્શનો પછીના સૌથી મોટા દેખાવ હતા.અમેરિકાના તમામ 50 રાજ્યોમાં 150 થી વધુ સંગઠનો દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં
હજારોની સંખ્યામાં લોકોએ શાંતિપુર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વોશિંગ્ટન, ન્યૂ યોર્ક, હ્યુસ્ટન, ફ્લોરિડા, કોલોરાડો અને લોસ એન્જલિસ સહિત અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં નાગરિકો એકઠા થયા હતા.
વ્હાઇટ હાઉસથી માત્ર થોડા બ્લોક દૂર, નેશનલ મોલ પર, ટ્રમ્પની બીજી ઇમ્પીચમેન્ટ પ્રક્રિયા દરમિયાન ઇમ્પીચમેન્ટ મેનેજર તરીકે સેવા આપનાર ડેમોક્રેટ પ્રતિનિધિ જેમી રાસ્કિન સહિતના વક્તાઓએ હજારો લોકોને સંબોધન કરી ટ્રમ્પ જેવા તાનાશાહને કોઈ નૈતિક વ્યક્તિ ચલાવી ન શકે તેમ જણાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનું આવવાનું કર્યું હતું.
ન્યૂ યોર્કના 43 વર્ષીય ચિત્રકાર શૈના કેસ્નરે કહ્યું,” એક વિશેષાધિકાર પ્રાપ્ત સમૂહ, અને શ્વેત અભિયુક્ત બલાત્કારીઓ આપણા દેશને નિયંત્રિત કરે છે. તે સારું નથી.” બોસ્ટનમાં લોકોએ ” હેન્ડ્સ ઓફ અવર ડેમોક્રેસી” અને ” હેન્ડ્સ ઓફ અવર સોશિયલ સિક્યુરિટી” લખેલા પ્લે કાર્ડસ સાથે ટ્રમ્પ વિરોધી સુત્રોચ્ચારો કર્યા હતા.બોસ્ટનના મેયર મિશેલ લુ એ કહ્યું કે હું નથી ઇચ્છતી કે મારા બાળકો એવી દુનિયામાં મોટા થાય જ્યાં સરકારી ધમકીઓ અને વિભાજનકારી રાજનીતિ સામાન્ય હોય.
ટ્રમ્પ વિરોધી દેખાવો યુરોપમાં પણ વિસ્તર્યા હતા.યુકે, જર્મની સહિત અનેક દેશોમાં ટ્રમ્પની વિભાજનકારી નીતિઓ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.બર્લિન અને લંડનમાં મહિલો કાંખમાં બાળકોને તેડીને દેખાવોમાં જોડાઈ હતી.