ગાંધી પરિવારની શાખ માટે આજનુ મતદાન નિર્ણાયક
રાજનાથ અને રાહુલ ગાંધીથી લઇને ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓના ભાવિનો ફેંસલો
લોકસભા ચૂંટણી માટે પાંચમા તબક્કામાં ૬ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની 49 સીટો માટે આજે મતદાન થશે. આજનું મતદાન ખાસ કરીને ગાંધી પરિવારની શાખ માટે ઘણું મહત્વનું છે. આ વખતે સોનિયા ગાંધી ચૂંટણી લડતા નથી અને તેમણે રાયબરેલીની બેઠક રાહુલ ગાંધી માટે ખાલી કરી દીધી છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેઓ અમેઠીની બેઠક ઉપર નથી લડી રહ્યા કારણ કે ગત ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધી પરિવારના હાથમાંથી અમેઠી બેઠક સરકી ગઈ છે અને હવે રાયબરેલી જાય તો આબરૂ પણ જાય એવું છે..તેથી આજનું મતદાન ગાંધી પરિવાર માટે ખુબ જ મહત્વનું છે.
પાંચમા તબક્કામાં અનેક કદાવર નેતાઓ ચૂંટણી મેદાનમાં છે. જેમાં રાજનાથ અને રાહુલ ગાંધીથી લઇને ચિરાગ પાસવાન જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ રાજનાથ સિંહ સામે રવિદાસ મેહરોત્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મંત્રી રહી ચુકેલા મેહરોત્રા હાલમાં લખનૌ સેન્ટ્રલ એસેમ્બલી સીટથી સપાના ધારાસભ્ય છે.
રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અહીંથી દિનેશ પ્રતાપ સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે. સોનિયા ગાંધીએ તેમના પુત્ર રાહુલ ગાંધી માટે પોતાની બેઠક છોડી દીધી છે.
ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અહીંથી કોંગ્રેસ પાર્ટીએ ગાંધી પરિવારના નજીકના ગણાતા કે.એલ. શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ચિરાગ પાસવાન NDA વતી હાજીપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આરજેડીએ હાજીપુરથી શિવચંદ્ર રામને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ઓમર અબ્દુલ્લા કાશ્મીરની બારામુલા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીના ફૈયાઝ અહેમદ ઓમર સામે ચૂંટણી લડી રહ્યા છે. ગત ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના અકબર લોને આ બેઠક જીતી હતી.
આ સિવાય મોદી સરકારના ઘણા મંત્રીઓ પણ પાંચમા તબક્કામાં ચૂંટણી મેદાનમાં છે. જેમાં મહારાષ્ટ્રના ઉત્તર મુંબઈથી પીયૂષ ગોયલ, મોહનલાલ ગંજથી કૌશલ કિશોર, લખનઉથી રાજનાથ સિંહ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ, ડિંડોરીથી ડૉ. ભારતી પ્રવીણ પવાર, કોડરમાથી અન્નપૂર્ણા દેવી, ભિવંડીથી કપિલ પાટીલ અને બંગાંવથી શાંતનુ થાનકેને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે.