અબુધાબીમાં વડાપ્રધાને કર્યું ભવ્ય મંદિરનું લોકાર્પણ
ઇતિહાસ રચાયો: નરેન્દ્ર મોદી અને મહંતસ્વામીએ વિશેષ આરતીનો લ્હાવો લીધો: ઇઅઙજના સંતોના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ: પૂજ્ય મહંતસ્વામી અને પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીના માર્ગદર્શનમાં ભવ્ય સમારોહ યોજાયો

યુએઇની રાજધાની અબુધાબીમાં બુધવારે ગૌરવપૂર્ણ ઇતિહાસ રચાયો હતો. બીએપીએસ સ્વામિનારાયણના અતિ ભવ્ય અને દુર્લભ હિન્દુ મંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાપર્ણ કર્યું હતું. વડપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મહંતસ્વામીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વિશેષ આરતી પણ કરી હતી. નરેન્દ્રભાઇ મોદીએ સ્વામિનારાયણ ભગવાનની સુંદર પ્રતિમા પાસે શિશ પણ ઝૂકાવ્્યું હતું. પૂ. મહંત સ્વામી અને અન્ય સંતોએ વડપ્રધાનને આખા મંદિર પરિસરની મુલાકાત કરાવી હતી અને નિર્માણને લગતી માહિતી આપી હતી.
લોકાર્પણ સમારંભમાં સેંકડો ભારતીય અને સાધુ સંતો તેમજ યુએઇના તંત્ર વાહકો હાજર રહ્યા હતા. બુધવારે સવારે બીએપીએસ સંસ્થાના પૂજ્ય મહંતસ્વામી અને સંત પૂ. જ્ઞાનવત્સલ સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. યુએઇના લાખો ભારતીયો આ અદ્દભુત પળના સાક્ષી બન્યા હતા. વડાપ્રધાને મંદિરના લોકાર્પણ સમયે કહ્યું હતું કે, પોતે ખૂબ ધન્યતા અનુભવે છે.

પ્રમુખ સ્વામી મહારાજે ૨૭ વર્ષ પહેલા અબુધાબીમાં ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો હતો જે મહંત સ્વામી મહારાજે સાકાર કર્યો હતો અને તેમાં યુએઇના રાષ્ટ્રપતિ શેખ ઝાયદ બિન નહિયાનનો સંપૂર્ણ સહકાર રહ્યો હતો.

૨૭ એકર જેટલી વિશાળ જગ્યામાં અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૦૧૫ અને ૨૦૧૮માં અબુધાબી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણની વિધિવત જાહેરાત કરી હતી ત્યારે યુએઇમાં વસતા ૩૫ લાખ ભારતીયોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો. મંદિર માટેની જમીનનું યુએઇના શાસકોએ ઉદાર મનથી દાન કર્યું હતું. આ માટે ૧૩.૫ એકર જમીન દાનમાં આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ૨૦૧૮માં આ મંદિર પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૯માં યુએઇના શાસકો દ્વારા વધુ ૧૩.૫ એકર જમીન ફાળવવામાં આવી હતી.
અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સમક્ષ જ્યારે મંદિર નિર્માણની ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી ત્યારે એમણે શિખરબધ્ધ મંદિરનો વિકલ્પ પસંદ કર્યો હતો. બુધવારે સાંજે એક ઇતિહાસ રચીને યુએઇની ધરતી પર હિન્દુ મંદિરનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું.