આખું કુટુંબ..! પ્રજવલ રેવન્નાના ભાઈની પણ પુરુષ કાર્યકરના યૌન શોષણ બદલ ધરપકડ
ફાર્મ હાઉસ ખાતે દુષ્કર્મ કર્યાની ફરિયાદ
અનેક મહિલાઓ પર જાતીય અત્યાચાર કરવાના આરોપ સબબ જેલવાસ ભોગવતા પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાના પૌત્ર અને કેન્દ્રીય મંત્રી એચ ડી કુમારસ્વામીના ભત્રીજા પ્રજવલ રેવન્નાના ભાઈ, વિધાન પરિષદના સભ્ય સૂરજ રેવન્ના (ઉ.વ.37)ની પણ કર્ણાટક પોલીસે જેડીએસના એક કાર્યકર સાથે બળજબરીથી સમલૈંગિક સંબંધ બાંધવાના આરોપસર ધરપકડ કરી હતી.આ અગાઉ પ્રજવલ અને સૂરજના પિતા અને ધારાસભ્ય એચડી રેવન્નાની પણ જાતીય સતામણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.કોઈ રાજકીય પક્ષના ત્રણ ત્રણ સભ્યો જાતીય દુર્વ્યવહારના ગુનામાં સંડોવાયેલા હોય તેવી આ પ્રથમ ઘટના છે.
ચેતન કેએસ નામના જેડીએસના 27 વર્ષીય કાર્યકરનો આરોપ છે કે સૂરજ રેવન્નાએ 16 જૂનના રોજ હોલેનારસીપુરા તાલુકાના ઘનીકાડા સ્થિત તેના ફાર્મહાઉસમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.તેની આ ફરિયાદ બાદ પોલીસે સૂરજની લાંબી પૂછપરછ પછી ધરપકડ કરી હતી.તેની સામે **IPC કલમ 377 (અકુદરતી સેક્સ) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ચેત્તને ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેને ફાર્મ હાઉસ ઉપર બોલાવ્યા બાદ સૂરજે કહ્યું હતું કે અહીં તું એકલો છે.તું મારા અને મારા પરિવાર વિશે જાણતો નથી.જો પોતે સહકાર નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી સૂરજે યૌન શોષણ કર્યું હોવાની વિગતો ચેતને ફરિયાદમાં જણાવી હતી.
ફરિયાદી સામે વળતી ફરિયાદ
બીજી તરફ સૂરજના મિત્ર શિવકુમારે ચેતન સામે બ્લેકમેઇલિંગ કરી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની વળતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.તેમાં જણાવ્યા અનુસાર ચેતન છ મહિના પહેલા અને બાદમાં જૂન મહિનામાં નોકરીની માંગણી સાથે સૂરજને મળ્યો હતો.બાદમાં તેણે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને નહિતર જાતીય અત્યાચારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.શિવકુમારની આ ફરિયાદ પરથી પોલીસે ચેતન સામે પણ ગુનો નોંધ્યો હતો.