સૌથી વધુ GST ચોરી આ વેપારમાં..
સૌથી વધુ કર ચોરી કઈ કઈ વસ્તુમાં ?
- લગ્નના ભાડે મળતા કપડાં
- ફૂટવેર
- સલુન
- બ્યુટી ટ્રીટમેન્ટ
- આઈસ્ક્રીમ પાર્લર
- કાપડના વેપારી
- તમાકુના વેપારી
- બેટરીના વેપારી
- મોબાઈલ અને એસેસરીઝના વેપારી
- હોટેલ અને રેસ્ટોરન્ટ
- કૃત્રિમ ફૂલ અને ડેકોરેશનના વેપારી
- કોચિંગ ક્લાસ
જી.એસ.ટીમાં થતી કરચોરી સરકારી તંત્ર માટે માથાના દુઃખાવારૂપ બની છે અને આ ચોરી અટકાવવા માટે અલગ અલગ પ્રયોગ કરવામાં આવે છે પરંતુ કરચોરો નવા નવા નુસખા શોધી કાઢે છે. તાજેતરમાં જી.એસ.ટી કાઉન્સિલની બેઠકમાં કરચોરી રોકવા માટે ટ્રેક એન્ડ ટ્રેસ સીસ્ટમને મંજુરી આપવામાં આવ્યા બાદ કરચોરી રોકવા માટે ગુજરાતમાં પણ તંત્ર વધુ સતર્ક થયુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એવા ૩૦ જેટલા બીઝનેસ-ટુ-કન્ઝ્યુમર (B2C) સેક્ટરની ઓળખ કરી છે જ્યાં સૌથી વધુ કરચોરી થાય છે. આવા વેપાર ઉપર નજર રાખવા ઉપરાંત તંત્રએ નોંધણી ન કરાવી હોય તેવા ડીલરોને ટેક્સના દાયરામાં લાવવા માટે ઝુંબેશ શરુ કરી છે.
રાજ્યના જી.એસ.ટી વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે, આ સેક્ટરમાં ઘણા નોંધાયેલા વેપારીઓ એવા છે જે પોતાની આવક ઓછી જાહેર કરે છે. જયારે ન નોંધાયેલ ડીલરો ફરજિયાત GST નોંધણી થ્રેશોલ્ડ કરતાં વધુ કમાણી કરે છે પરંતુ નોંધણી કરવામાં નિષ્ફળ જાય છે. રાજ્યમાં હાલમાં અંદાજે 12 લાખ નોંધાયેલા ડીલરો છે, પરંતુ સત્તાવાળાઓ માને છે કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.
અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે, અમે ટેકસનો દાયરો વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ. B2C સેક્ટરમાં રહેલા ઘણા કરદાતા પોતાની પૂરી આવક દર્શાવતા નથી. જયારે કેટલાક યોગ્ય રીતે બીલ ઇસ્યુ કર્યા વગર લેવડદેવડ કરે છે. ઘણા ન નોંધાયેલા વેપારીઓ વધુ આવક ધરાવે છે. અમે આ દિશામાં કાર્યવાહી કરીને કરદાતાની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ અને કરચોરીનું પ્રમાણ ઓછું કરી રહ્યા છીએ.
કેટલાક સમયથી જી.એસ.ટી વિભાગ દરોડાનો દૌર ચલાવી રહ્યું છે અને તેના ભાગ રૂપે ૨૦ કરોડની કરચોરી પકડી પાડવામાં આવી છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, મિત્રો અને સગા સંબંધીઓનાં વ્યક્તિગત એકાઉન્ટનો ઉપયોગ કયુઆર કોડથી પેમેન્ટ મેળવવા માટે કરવામાં આવે છે. આવા કારણોસર કેટલી લેવડદેવડ થઇ છે તે ખબર પડતી નથી. બીટુસી સેક્ટરમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી વધુ જોવા મળે છે.
નામ ન આપવાની શરતે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે, “કરવેરાનું માળખું વિસ્તારવા માટે દેશવ્યાપી દબાણ છે, અને ગુજરાત પણ તેમાં અપવાદ નથી. વિભાગ યોગ્ય બિલિંગ વિના વ્યવહારો કરનારાઓને ઓળખવા માટે વિવિધ સ્રોતોમાંથી ડેટા એકત્ર કરી રહ્યું છે. રજીસ્ટર્ડ વેપારીઓ સપ્લાય કરે છે. નોંધણી વગરના ડીલરોનો માલ પણ તપાસમાં આવે છે.