અયોધ્યાના વિકાસ કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર : રામપથ પણ રામ ભરોસે, ઠેર ઠેર ગાબડાં
અયોધ્યાના વિકાસ કામનો ભ્રષ્ટાચાર છાપરે ચડી પોકાર્યો છ અધિકારી સસ્પેન્ડ: કોન્ટ્રાક્ટ રાખનાર કંપની ગુજરાતની
અયોધ્યાના વિકાસ નું પ્રતીક બની ગયેલા અને ઉપર ઉપરથી ભવ્ય દેખાતા 14 કિલોમીટરના રામપથના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે પીડબ્લ્યુડી અને જળ વિકાસ નિગમના ટોચના છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ રસ્તાનું કામ રાખનાર ગુજરાતની કંપનીને પણ નોટિસ પાઠવવામાં આવી છે.
અયોધ્યામાં 23 અને 25 જૂનના રોજ પડેલા ભારે વરસાદે આ રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી. આખા રસ્તા ઉપર ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા. રસ્તાની નીચે ગટર લાઈન નાખવામાં થયેલી બેદરકારીને કારણે પાણીનો નિકાલ બંધ થઈ જતા સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એ માર્ગને જોડતી 15 શેરીઓમાં પણ કમર ડૂબ પાણી ભરાયા હતા અને અનેક મકાનોમાં પાણી ખુશી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
ખૂબ વખણાયેલા આ માર્ગ ની આવી અવદશા થતાં ઉત્તર પ્રદેશ સરકાર ઉપર તડાપીટ બોલી હતી. તંત્રએ ખાડાઓ પૂરવા માટે તાબડતોબ રેતી અને પથ્થરો નાખી વાત છુપાવવાની કોશિશ કરી હતી પરંતુ રસ્તાની વાસ્તવિક સ્થિતિ અંગેના અસંખ્ય વિડિયો વાયરલ થતા સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આ મુદ્દે સમગ્ર દેશમાં ભારે ટીકા થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.
આ રસ્તા ના કામમાં બેદરકારી દાખવા બદલ પીડબ્લ્યુડી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધ્રુવકુમાર, એન્જિનિયર અંજુ દેવીવાલ અને જુનિયર એન્જિનિયર પ્રભાત કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એ જ રીતે જલ નિગમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આનંદકુમાર દુબે, આસિસ્ટન્ટ એન્જિનિયર રાજેન્દ્ર કુમાર યાદવ અને જુનિયર એન્જિનિયર મોહમ્મદ શાહિદને પણ સજા રૂપે સસ્પેન્ડ કરી દેવાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રસ્તો તૈયાર થયો તે પછી થોડા દિવસોમાં જ ઉપરનું પડ ક્ષતિગ્રસ્ત બની ગયું હતું. વિપક્ષે આ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારને ઘેરી હતી અને ભગવાન રામ સાથે જોડાયેલા કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ કામનો કોન્ટ્રાક્ટર રાખનાર ગુજરાતની અમદાવાદ સ્થિત ભુવાન ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને પણ નોટિસ પાઠવવામાં આવી છે.
રામ મંદિરમાં પાણી ભરાવા અંગે વિરોધાભાસી નિવેદનો
અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પણ પાણીનો ચુવાક થતું હોવાની અને ગર્ભગૃહ સહિત આખા મંદિરમાં પાણી ભરાયા હોવાની ફરિયાદ મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કરી હતી. આખા મંદિરમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થાનો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. બીજી તરફ ટ્રસ્ટી ચંપત રાય એ મંદિર કે ગર્ભ ગૃહમાં ક્યાંય ચુવાક ન થયો હોવાની તેમ જ ગર્ભગૃહમાં પાણી ન ભરાયું હોવાની ચોખવટ કરી હતી. મંદિરના મુખ્ય પુજારી અને ટ્રસ્ટીના આ વિરોધાભાસી નિવેદનોને કારણે પણ દેખીતી રીતે જ વિવાદ થયો છે.