ટાઢા પહોરનુ સપનુ : પાકિસ્તાને જુનાગઢને પોતાનું ગણાવ્યુ
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા બ્રીફિંગમાં જુનાગઢ ઉપર ભારતનાં ગેરકાયદે કબજાનો આરોપ
કાશ્મીર સાથે સરખામણી કરી જુનાગઢને અધુરો એજન્ડા ગણાવ્યો
કાશ્મીરને પોતાનું સાબિત કરવા માટે દુનિયાભરમાં હવાતિયા મારી રહેલા પાકિસ્તાનને નવું વેણ ઉપાડ્યુ છે અને હવે જુનાગઢને પોતાનું ગણાવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બ્લુચે ભારતના વિરોધમાં ઝેર ઓકતા કહ્યું છે કે, જુનાગઢ ઉપર ભારતે ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. જેમ કાશ્મીર એક અધુરો એજન્ડા છે તેમ જુનાગઢ પણ એક અધુરો એજન્ડા છે.
પોતાના સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન બોલતા મુમતાઝે કહ્યું કે જૂનાગઢ વિશે પાકિસ્તાનનું નીતિગત નિવેદન હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે જુનાગઢ ગુજરાતનું એક શહેર છે જેને જનમત સંગ્રહના નામે 1948માં ભારતમાં ભેળવી દેવામાં આવ્યું હતું. જુનાગઢ એક ઐતિહાસિક અને કાનૂની દ્રષ્ટીએ પાકિસ્તાનનું છે. ભારતનો તેના પર ગેરકાયદેસર કબજો છે અને તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન છે.”
પાકિસ્તાનના જીઓ ટીવીના એક અહેવાલ અનુસાર, જૂનાગઢની કાશ્મીર સાથે સરખામણી કરી મુમતાઝે ભાર મૂકીને કહ્યું કે પાકિસ્તાન “હંમેશા રાજકીય અને કૂટનીતિક મંચો પર જૂનાગઢ મુદ્દાને ઉઠાવતું રહ્યું છે અને તેનું શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે.” તેમણે કહ્યું, “પાકિસ્તાન પણ જૂનાગઢ મુદ્દાને જમ્મુ અને કાશ્મીરની જેમ અધૂરો એજન્ડા માને છે.” પાકિસ્તાન દુનિયાના દરેક મંચ પર કાશ્મીર મુદ્દાને ઉઠાવતું રહ્યું છે, પરંતુ તેને દરેક જગ્યાએથી જાકારો મળ્યો છે. પાકિસ્તાન કાશ્મીરને આતંકવાદના માધ્યમથી મેળવવાનું સપનું જુએ છે. આ કારણે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો નીચલા સ્તરે છે.
મુમતાઝે બાંગ્લાદેશ સાથે “સકારાત્મક અને મજબૂત સંબંધો” વિકસાવવાની પાકિસ્તાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે પત્રકારોને કહ્યું, “પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મજબૂત સંબંધો બંને દેશોના લોકો માટે ફાયદાકારક છે.” આ ઉપરાંત, તેમણે જાહેર કર્યું કે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરે તેવી અપેક્ષા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આ પહેલા પણ જૂનાગઢ પર પોતાનો દાવો કર્યો હતો. 2020માં પાકિસ્તાને નવો નકશો જાહેર કર્યો હતો. નકશામાં તેણે જૂનાગઢને પાકિસ્તાનમાં બતાવ્યું હતું. ભારતે આ નકશાનો વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં ભારતે કહ્યું કે પાકિસ્તાનનો આ પ્રયાસ નિરર્થક છે. તેનો કોઈ અર્થ નથી.
૧૯૪૭માં શું થયુ હતુ ?
૧૯૪૭માં જયારે ભારતના લોકો આઝાદી મનાવી રહ્યા હતા ત્યારે જૂનાગઢના લોકો કન્ફયુઝ હતા કારણ કે ૧૫ ઓગસ્ટે જ જૂનાગઢના નવાબ મહોબતખાને પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. નવાબના નિર્ણયમાં જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોની મુખ્ય ભૂમિકા હતી અને તેમણે જ જુનાગઢના પાકિસ્તાનમાં વિલયની જાહેરાત કરી દીધી હતી. આ પછી ૧૬ સપ્ટેમ્બરે પાકિસ્તાને સત્તાવાર રીતે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી અને ભારતે તેનો વિરોધ કર્યો હતો. સરદાર પટેલે જનમત સંગ્રહ કરાવવાની માંગ કરી હતી
જૂનાગઢમાં જનમત સંગ્રહ થયો ત્યારે ૨,૦૨,૪૫૭ મતદાતા હતા અને તેમાંથી ૧,૯૦,૮૭૦ લોકોએ મતદાન કર્યું હતું. પાકિસ્તાન તરફે માત્ર ૯૧ મત પડ્યા હતા.આ પછી ૯ નવેમ્બરે ભારતે જૂનાગઢને પોતાના નિયંત્રણમાં લીધું હતું. આ પહેલા રાજકોટમાં આરઝી હકુમતની શ્રેણીબધ્ધ બેઠકો પણ થઈ હતી અને રણનીતિ ઘડાઈ હતી.