તામિલનાડુની હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા છ ના મોત: અન્ય 20 ઘાયલ
દક્ષિણ તામિલનાડુમાં દિંદગુલ શહેરમાં આવેલી એક ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા
છ લોકોના કરુણ મૃત્યુ થયા હતા જ્યારે અન્ય 22 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકીના બેની હાલત ગંભીર ગણાવવામાં આવે છે. તમામ મૃતકો લિફ્ટ માં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઊઠી હતી અને થોડી મિનિટોમાં જ છેકે ત્રીજા માળ સુધી અગન અજવાળાઓ ભભૂકવા લાગી હતી.
બનાવની જાણ થતા ફાયર ફાયટરો અને 50 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા 32 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે
એ બચાવ કામગીરી ચાલુ હતી ત્યારે છ લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હોવાની કોઈને જાણકારી નહોતી. બાદમાં તપાસ દરમિયાન લિફ્ટ માંથી ત્રણ વર્ષના એક બાળક અને ત્રણ મહિલા સહિત છ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બધા હતભાગીઓ ધુમાડાને કારણે ગુંગળાઈ મર્યા હોવાનું પ્રાથમિક તારણ છે.