સચિન તેંડુલકરે પત્ની અંજલી અને પુત્રી સારા સાથે કર્યું મતદાન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. સવાર સવારમાં જ મતદાન મથકો પર વીઆઈપી લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. તેમની સાથે પુત્રી સારા તેંડુલકર અને પત્ની અંજલી તેંડુલકર પણ જોવા મળ્યા. મતદાન કર્યા બાદ સચિન તેંડુલકરે મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવાની અપીલ પણ કરી.
સચિન, સારા અને અંજલીએ કર્યું મતદાન
સચિન તેંડુલકર મુંબઈના બાંદ્રા વેસ્ટ સેન્ટર પર મતદાન કરવા માટે પહોંચ્યા. તેમની સાથે પત્ની અંજલી તેંડુલકર અને પુત્રી સારા તેંડુલકર પણ જોવા મળ્યા. સચિન તેંડુલકરને જોઈને આસપાસ હાજર ફેન્સ પણ તેમને મળવા માટે ઉત્સુક જોવા મળ્યા. અત્રે જણાવવાનું કે સચિન તેંડુલકર ચૂંટણી પંચ (ઈલેક્શન કમિશન)ના નેશનલ આઈકન છે.
મતદારોને અપીલ
મતદાન કર્યા બાદ સચિન તેંડુલકરે મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે હું એમ કહીશ કે આવો અને મતદાન કરો. આ આપણી જવાબદારી છે. કારણ કે હું ECI નો આઈકન છું તો એ અપીલ કરું છું કે આવો અને મત આપો. અહીં સુવિધાઓ પણ સારી છે. ઓર્ગેનાઈઝર્સે અહીં સારી સુવિધાઓ કરી છે. હું આશા રાખુ છું કે ફક્ત અહીં જ નહીં પરંતુ દરેક સેન્ટર પર મતદાન દરમિયાન સારી સુવિધાઓ રહે અને કોઈને કોઈ તકલીફ ન પડે. આવો અને મતદાન અવશ્ય કરો.