મતદાન પૂરું થયા બાદ રૂપાલાનું મોટું નિવેદન…વાંચો શું કહ્યું
‘મારા કારણે ભાજપને મોટું નુકસાન થયું, માફી માગું છું..’
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન આખરે પૂરું થઇ ગયું. જ્યારે આ વખતે મોટાપાયે ગુજરાતની ચૂંટણીમાં પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિયોની ટિપ્પણીને લઈને થયેલો વિવાદ ચગ્યો. જોકે હવે ચૂંટણી પત્યા બાદ રૂપાલાએ ભલે રાહતના શ્વાસ લીધા હશે કેમ કે તેમની ઉમેદવારી રદ ન થઇ અને મતદાન પણ થયું. જોકે હવે ચૂંટણી બાદ રુપાલાએ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ વખતની ચૂંટણી તેમના માટે કેવી ગુજરી તેના વિશે વાતો કરી હતી.
શું બોલ્યાં પરશોત્તમ રૂપાલા
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જે રીતે વિરોધ થયો તે માટે હું જ જવાબદાર છું. મારા કારણે પાર્ટીને ખૂબ નુકસાન થયું છે. મારા માટે આ કપરો સમય વીત્યો. આ સાથે રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહેતા ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી. હું મારા નિવેદનને લઈને શર્મિંદા છું. મારે આવી ટિપ્પણી કરવાની જરૂર નહોતી. આખી ઘટનાનો કેન્દ્ર બિંદુ હું રહ્યો છું.
ક્ષત્રિયો મુદ્દેનું નિવેદન મારી ભૂલ : રૂપાલા
રૂપાલાએ મતદાન પૂરું થયા પછી કહ્યું કે ક્ષત્રિય સમાજ અંગે કરેલી મારી ટિપ્પણી એક મોટી ભૂલ સાબિત થઇ અને તેને લઈને હું દિલથી માફી માગી રહ્યો છું. હું ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકોને દેશના વિકાસમાં ફાળો આપવા અને આગળ વધવા અપીલ કરું છું. ઉલ્લેખનીય છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી જેના બાદથી ભાજપનો ચારેકોરથી વિરોધ થવા લાગ્યો હતો અને હવે ક્ષત્રિયો હજુ પણ મતદાન થઈ જવા છતાં પીછેહઠ કરવા માગતા નથી અને તેઓએ ચેતવણી ઉચ્ચારતાં કહી દીધું છે કે અમે રૂપાલાએ ભાજપના કોઈ હોદ્દે જોવા માગતા નથી.