ઉત્તરપ્રદેશનાં હાથરસ પાસે ભોલેબાબાના પ્રવચનના સમાપન વખતે મચી ભાગદોડ : જ્યાં નજર પડે ત્યાં લાશના ઢગલાં
સત્સંગમાં હાહાકાર : 130ના મોત
ગરમી અને ભીડને લીધે કેટલાંક લોકો બેભાન થઈને પડ્યા, તેમને જોઇને લોકોએ ભાગદોડ મચાવી
મૃતકોમાં વધુ સંખ્યા મહિલાઓ અને બાળકોની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ
ઉત્તર પ્રદેશના હાથરસ પાસે આજે બપોરે બનેલી ભાગદોડની ઘટનામાં 130 લોકોના કચડાઈને મોત થયા હતા. હાથરસ પાસેના મુગલગઢી ગામના રતિભાનપુર વિસ્તારમાં માનવ મંગલ મિલન સમાગમ સમિતિ આયોજિત ભોલે બાબાના સત્સંગનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. એક તરફ ભીડ વધુ હતું અને ગરમીને લીધે લોકો પરેશાન હતા.આ ગરમીને લીધે કેટલાક લોકો બેભાન થઈને પડી ગયા હતા અને આ જોઇને બીજા લોકોએ નાસભાગ મચાવી હતી.
આ નાસભાગમાં ઘણી મહિલાઓ અને બાળકો લોકોના પગ નીચે ચગદાયા હતા, જેના કારણે તેમના મોત થયા હતા. ઘટનાસ્થળે લાશના ઢગલા જોવા મળ્યા હતા. આજે મુગલગઢી પાસે ભોલેબાબાના નામે ઓળખાતા નારાયણ સરકારના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૫૦ હજાર જેટલા સત્સંગીઓ એકઠા થયા હતા. આ સત્સંગીઓમાં મોટી સંખ્યા મહિલાઓની હતી.
નજરે જોનારાના જણાવ્યા અનુસાર, ભોલેબાબાનો સત્સંગ પૂરો થયો અને બાબા બહાર નીકળ્યા ત્યારે તેની પાછળ પાછળ લોકોનું ટોળુ ગયું હતું અને તેમાં ધક્કામુક્કી થઇ હતી.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભોલે બાબાનાં સત્સંગમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતા. સત્સંગ પૂરો થતાં જ લોકો ત્યાંથી નીકળવા લાગ્યા અને આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગ દરમિયાન લોકો એકબીજાની સામે પણ જોતા ન હતા અને એકબીજા પર કૂદતા ભાગતા રહ્યા હતા. નાસભાગ થતાં જ ચારેબાજુ ચીસાચીસ થઈ ગઈ હતી.
આ ઘટનાની નોંધ લેતા, મુખ્યમંત્રી કાર્યાલયે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા અને સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે એડીજી આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં ઘટનાના કારણોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે X પર પોસ્ટ કર્યું કે, “હાથરસ જિલ્લામાં કમનસીબ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી , સંદીપ સિંહ ઘટના સ્થળ માટે રવાના થયા છે અને રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, ADG, આગ્રા અને કમિશનર, અલીગઢના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે.
સત્સંગ બાદ નાસભાગ મચી ગઈઃ પીડિત
એક મહિલાએ જણાવ્યું કે અમે દર્શન કરવા આવ્યા હતા. ઘણી ભીડ હતી. જ્યારે નાસભાગ મચી ત્યારે હું અને મારું બાળક પણ ભીડની નીચે આવી ગયા હતા.
ઈજાગ્રસ્ત માતા સાથે હોસ્પિટલ પહોંચેલી એક છોકરીએ જણાવ્યું કે સત્સંગ પૂરો થયા બાદ ભાગદોડ મચી ગઈ હતી. અમે મેદાનમાંથી નીકળી રહ્યા હતા, ત્યારે અચાનક ભીડ ધક્કો મારવા લાગી, જેના કારણે ઘણા લોકો નીચે દબાઈ ગયા. અમારી સાથે અન્ય એક વ્યક્તિ પણ આવી હતી. તેમનું અવસાન થયું છે.