રિઝર્વ બેન્કે ટેક્સ પેમેન્ટ માટે શું સુવિધા જાહેર કરી ? વાંચો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે યુપીઆઈ દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. મંગળવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે યુપીઆઈ તેની સરળ સુવિધાઓને કારણે ચુકવણીની સૌથી પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. હાલમાં, યુપીઆઈ માટે કર ચૂકવણીની મર્યાદા 1 લાખ રૂપિયા છે. હવે તેને વધારીને રૂપિયા 5 લાખ કરાઇ છે. બેન્કે ગુરુવારે જાહેર કરેલી પોલિસીમાં વ્યાજ દરો યથાવત રાખ્યા હતા.
દાસે જણાવ્યું હતું કે વિવિધ ઉપયોગના કેસોના આધારે, રિઝર્વ બેંકે સમયાંતરે સમીક્ષા કરી છે અને અમુક કેટેગરી જેમ કે કેપિટલ માર્કેટ, આઇપીઓ સબસ્ક્રિપ્શન, લોન કલેક્શન, વીમો, મેડિકલ અને શૈક્ષણિક સેવાઓ વગેરે માટે મર્યાદા વધારી છે.
દાસે કહ્યું, “પ્રત્યક્ષ અને પરોક્ષ કરની ચૂકવણી સામાન્ય, નિયમિત અને ઉચ્ચ મૂલ્યની હોવાથી. યુપીઆઈ દ્વારા કર ચૂકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જરૂરી સૂચનાઓ અલગથી જારી કરવામાં આવશે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)નો યુઝર બેઝ 42.4 કરોડ સુધી પહોંચી ગયો છે. જો કે, યુઝર બેઝના વધુ વિસ્તરણની સંભાવના છે.
હવે 2 દિવસ નહીં થોડા કલાકોમાં જ ચેક ક્લિયર થશે
લાંબા સમય સુધી વિચાર કર્યા બાદ રાહત જાહેર કરાઇ
રિઝર્વ બેન્કે જાહેર કરેલી નવી પોલિસીમાં સારા સમાચાર આપ્યા હતા જે મુજબ ચેક ક્લિયરિંગ હવે થોડા કલાકોમાં થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચેક ક્લિયરિંગના સમયને થોડા કલાકો સુધી ઘટાડવા અને તેની સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવાના હેતુથી પગલાંની જાહેરાત કરી હતી. હાલમાં, ચેક જમા થયાના સમયથી રકમ આવે ત્યાં સુધી બે દિવસ લાગે છે. પરંતુ નવી સિસ્ટમમાં ચેક જમા થયાના થોડા કલાકોમાં ‘ક્લીયર’ થઈ જશે.
ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરતા, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “ચેક ક્લિયરિંગને સુવ્યવસ્થિત કરવા, પતાવટના જોખમને ઘટાડવા અને ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવાના ઉદ્દેશ્ય સાથે, ચેક ટ્રંકેશન સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. વર્તમાન પ્રક્રિયામાં ફેરફાર કરવાની દરખાસ્ત છે.
તેમણે કહ્યું કે આ હેઠળ, વર્તમાન સિટીએસ સિસ્ટમ હેઠળ ‘બેચ’ માં પ્રક્રિયા કરવાને બદલે, કામકાજના સમય દરમિયાન સતત ધોરણે ક્લિયરિંગ કરવામાં આવશે. “નવી સિસ્ટમ હેઠળ, ચેકને ‘સ્કેન’ કરવામાં આવશે, થોડા કલાકોમાં રજૂ કરવામાં આવશે અને ક્લિયર કરવામાં આવશે.
તમારા યુપીઆઈથી હવે બીજી વ્યક્તિ પણ કરી શકશે રૂપિયા ટ્રાન્સફર
ડેલિગેટેડ પેમેન્ટ નામની આ નવી સુવિધા શરૂ કરવાનું રિઝર્વ બેન્કનું એલાન
દરમિયાનમાં રિઝર્વ બેન્કે ગુરુવારે યુપીઆઈ પેમેન્ટ માટે એક નવી સુવિધા ડેલિગેટેડ પેમેન્ટના નામે શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાના બેન્ક એકાઉન્ટથી યુપીઆઈ પેમેન્ટ કરવા ઓથોરાઇઝ કરી શકશે. આમાં બીજી વ્યક્તિ માટે યુપીઆઈ સાથે જોડાયેલ અલગ બેન્ક એકાઉન્ટ રાખવાની જરૂર રહેશે નહીં. જો કે આ પ્રક્રિયામાં પ્રાઇમરી યુઝરની મંજૂરી જરૂરી બનશે.
આ સુવિધા શરૂ થયા બાદ દેશભરમાં ડિજિટલ પેમેન્ટમાં ભારે વધારો થવાની બેંકને આશા છે. આ નવી યોજના અંગે ટૂક સમયમાં જ દિશા નિર્દેશ બહાર પાડવામાં આવશે તેમ શક્તિકાન્ત દાસે જણાવ્યું હતું