સુવર્ણ મંદિર સંકુલમાં કેવી ઘટના બની ? શું થયું ? વાંચો
પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર સંકુલમાં એક યુવકે પોતાના માથા પર ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પોલીસે યુવકની ઓળખ કરવા તપાસ શરૂ કરી હતી. તેનું હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ તકે સંકુલમાં ભારે દોડાદોડી થઈ ગઈ હતી. થોડીવાર માટે હડકંપ મચી ગયો હતો.
પોલીસને એવી માહિતી મળી હતી કે આ યુવકે સુવર્ણ મંદિર સંકૂલ આવીને એક ગાર્ડ પાસેથી ગન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. એક વીઆઇપી દર્શન કરવા આવ્યા હતા અને એમની સાથે ગાર્ડ હતો તેની સાથે યુવકે ઝપાઝપી કરી હતી.
કેટલાક વીઆઇપી લોકો મંદિરમાં દર્શન માટે આવ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. યુવકે ઝપાઝપી કરી લીધા બાદ ખુદ પોતાના માથામાં જ ગોળી મારી લીધી હતી અને તેને તરત જ દવાખાને ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.
પોલીસને તપાસ બાદ એમ જાણવા મળ્યું હતું કે યુવક પ્રવાસી હતો અને મગજનો અસ્થિર હોવાની પણ શંકા છે. જો કે પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ ઝડપી બનાવી હતી. યુવક જો પ્રવાસી હતો તો તે ક્યાંનો હતો તે બારામાં તપાસ થઈ રહી છે.