દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રજાસત્તાક પર્વની પરેડ : દેશની તાકાત દુનિયા જોશે
લડાકુ વિમાનો દ્વારા અજય, સતલજ, કટાર, બાઝ, રક્ષક, અર્જુન, વરુણ, નેત્ર અને ભીમ ફોર્મેશન બનાવાશે
રાષ્ટ્રપતિ મુર્મુ ધ્વજવંદન કરાવશે, ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન
ઇન્ડોનેશિયાથી 352 સભ્યોની માર્ચિંગ અને બેન્ડ ટુકડી પરેડમાં ભાગ લેશે
એક લાખ લોકો પરેડ નિહાળવા ઉમટી પડે તેવી સંભાવના
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને રવિવારે સવારે કર્તવ્ય પથ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે ધ્વજવંદન અને ત્યાર બાદ યોજાનારી શાનદાર પરેડને નિહાળવા માટે દિલ્હીવાસીઓ ઉત્સુક છે. ધ્વજવંદન પછી જે પરેડ યોજાય છે તે ભારત દેશની ઓળખ છે, ભારતની શક્તિનું પ્રદર્શન છે અને આ પરેડ મારફત દેશની તાકાત વિશ્વ સમક્ષ પ્રદર્શિત થાય છે. આ વખતે યોજાનારા સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો ઉપસ્થિત રહેવાના છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ સમારોહથી શરૂ થશે જેમાં વડાપ્રધાન પુષ્પાંજલિ અર્પણ કરે છે.
દિલ્હી પોલીસે 6 સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સુરક્ષા માટે 15 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીથી સજ્જ 100 થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે. પરેડ રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
કર્તવ્ય પથ ઉપર આ પરેડ સવારે ૧૦-૩૦ વાગ્યે વિજય ચોકથી શરુ થશે અને લાલ કિલ્લા પાસે સમાપ્ત થશે. આ પરેડ વિજય ચોકથી કર્તવ્ય પથ, સિ-હેક્સાગન, તિલક રોડ અને બહાદુરશાહ ઝફર રોડ થઈને લાલ કિલ્લા સુધી પહોંચશે.
ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ સુબિયાન્ટો ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં હાજરી આપનારા ચોથા ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ બનશે. ૧૯૫૦માં ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન હતા. ઇન્ડોનેશિયાથી 352 સભ્યોની માર્ચિંગ અને બેન્ડ ટુકડી અહીં લાઇન ઓફ ડ્યુટી પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે. આ પહેલી વાર બનશે જ્યારે ઇન્ડોનેશિયન માર્ચિંગ અને બેન્ડ ટુકડી વિદેશમાં રાષ્ટ્રીય દિવસની પરેડમાં ભાગ લેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો મજબૂત થયા છે.
પરેડમાં દેખાશે ‘મહાકુંભ’ની ઝાંખી
પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ પર એક ભવ્ય ઝાંખી રજૂ કરવામાં આવશે, જે મહાકુંભના ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરશે.
આ ઝાંખીમાં, ટ્રેક્ટરની સામે ‘અમૃત કળશ’ ની ભવ્ય પ્રતિકૃતિ બતાવવામાં આવશે, જેમાંથી અમૃતધારા વહેતી હશે. ઋષિ-મુનિઓ શંખ ફૂંકતા, પાણી પીતા અને સાધના કરતા અને ભક્તો સંગમમાં ડૂબકી લગાવતા હોય તેવા દ્રશ્યો મહાકુંભની આધ્યાત્મિક ઉર્જાને જીવંત કરશે. ટેબ્લો પેનલ્સ શાહી સ્નાન માટે જતા અખાડાઓ અને ભક્તોને ભીંતચિત્રો અને LED સ્ક્રીન દ્વારા દર્શાવશે.આ ઉપરાંત, સમુદ્ર મંથનની પૌરાણિક કથા પણ દર્શાવવામાં આવશે, જેમાં હાલાહલ ઝેર, કામધેનુ, ઐરાવત હાથી, શંખ, ધનવંતરી જેવા 14 રત્નો દર્શાવવામાં આવશે, જે મહાકુંભની ઐતિહાસિકતા અને ધાર્મિક મહત્વને રેખાંકિત કરશે.
એરફોર્સનાં 40 ફાઈટર જેટની ગર્જના સંભળાશે
આ પરેડ દરમિયાન ભારતીય વાયુસેનાનાં ૪૦ એરક્રાફ્ટ્સ વિવિધ કરતબો બતાવશે. સુખોઈ અને રાફેલ જેવા લડાકુ વિમાનો પરેડમાં ભાગ લેશે, પરેડમાં જગુઆર અને મિગ 29 ની પણ ગર્જના સંભળાશે.આ વર્ષે ફ્લાય પાસ્ટમાં સામેલ થનારા 40 વિમાનોમાં 22 ફાઇટર પ્લેન, 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સાત હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. આ વિમાનો વાયુસેના 10 અલગ-અલગ મથકો પરથી ઉડાન ભરશે. 5 જગુઆર વિમાનો એરો ફોર્મેશન બનાવશે. 6 રાફેલ ફાઇટર પ્લેન દ્વારા વજરંગ ફોર્મેશન બનાવવામાં આવશે. સુખોઈ ફાઇટર પ્લેન ત્રિશૂલ ફોર્મેશન બનાવશે. આખરે રાફેલ ફાઇટર જેટ વર્ટિકલ ચાર્લી કરશે.
લડાકુ વિમાનો દ્વારા અજય, સતલજ, કટાર, બાઝ, રક્ષક, અર્જુન, વરુણ, નેત્ર અને ભીમ ફોર્મેશન બનાવાશે.