રાજકોટનું વોઈસ ઓફ ડે-VOD વાઈબ્સ પહોંચ્યુ અબુધાબી : ગ્લોબલ મીડિયા કોંગ્રેસમાં સહભાગી બનનાર દેશનું એક માત્ર અખબાર

અબુધાબીમાં નેશનલ એક્ઝીબીશન સેન્ટર ખાતે દર વરસે યોજાતી વિશ્વની સૌથી મોટી ગ્લોબલ મીડિયા કોંગ્રેસ સમિટ આ વખતે પણ તા. ૨૬ નવેમ્બરથી ત્રણ દિવસ માટે શરુ થઇ છે અને સમગ્ર દેશમાંથી એક માત્ર વોઈસ ઓફ ડે અખબાર અને ડીજીટલ મીડિયા તેમાં સહભાગી બન્યું છે. આ ગ્લોબલ મીડિયા કોંગ્રેસમાં વિશ્વભરમાંથી મીડિયા જગતના માંધાતાઓ આવે છે અને નવી નવી ટેકનોલોજી, AIના વધતા જતા ઉપયોગ અને પડકારો અંગે ચર્ચા કરે છે. વોઈસ ઓફ ડે એક અનોખી ભાત પાડતુ અખબાર છે અને વિશ્વ મંચ ઉપર તેની નોંધ લેવામાં આવી છે.

વોઈસ ઓફ ડેનાં એમ.ડી. કૃણાલ મણિયાર અને ડીરેક્ટર મીરા મણિયારના માર્ગદર્શન હેઠળ VOD વાઈબ્સનાં દર્શન પરમાર, વિરાજ મસાણી અને લેન્સમેન રવિ ગોંડલિયા આ ગ્લોબલ મીડિયા કોંગ્રેસમાં ભાગ લઇ રહ્યા છે અને વૈશ્વિક મીડીયાને નજીકથી જાણી રહ્યા છે. આ સેન્ટરમાં વોઈસ ઓફ ડે સક્રિય પાર્ટીસીપંટ છે અને જુદા જુદા દેશના મીડિયા કર્મીઓએ સ્ટોલની મુલાકાત લઈને વોઈસ ઓફ ડેની પ્રિન્ટીંગ ક્વોલિટી, ફોટોગ્રાફ અને લે-આઉટની પ્રસંશા કરી હતી.

અહી યોજાયેલા ચર્ચાસત્રમાં વોઈસ ઓફ ડે વતી મીરાબેન મણીયારે મીડીયાના બદલાતા જતા સ્વરૂપ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા એટલુ જ નહી ટીવી મીડીયાને ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો. આ તકે કૃણાલભાઈ મણિયારે કહ્યુ હતુ કે, સમગ્ર ભારતમાંથી રાજકોટનું એક માત્ર વોઈસ ઓફ ડે અખબાર આ વર્લ્ડ મીડિયા કોંગ્રેસનું સહભાગી બન્યુ છે તેનું ગૌરવ છે અને આવનારા દિવસોમાં અખબાર અને ડીજીટલ મીડિયામાં અનેક નવા ફેરફારો લાવી શકાશે.



