પુલવામા એટેક : દુનિયા માટે ‘વેલેન્ટાઈન ડે’પણ ભારત માટે ‘બ્લેક ડે’ : આતંકવાદી હુમલામાં ૪૪ જવાનોએ ગુમાવ્યા’તા જીવ
શહીદ જવાનોની યાદમાં લોકો સ્વેચ્છાએ બ્લેક ડે મનાવે છે
આતંકવાદી હુમલામાં ૪૪ જવાનોએ જીવ ગુમાવ્યા હતા
૧૪ ફેબ્રુઆરીનો દિવસ દુનિયાભરમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે અને ભારતમાં પણ કેટલાક લોકો પશ્ચિમીકરણનું આંધળુ અનુકરણ કરીને વેલેન્ટાઇન ડે ઉજવી રહયા છે પરંતુ આજથી છ વર્ષ પહેલા એટલે કે 2019માં 14 ફેબ્રુઆરીના રોજ એક એવી ગોઝારી ઘટના બની કે જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ ઘટના પછી ભારતમાં પણ ઘણા લોકો માટે ૧૪ ફેબ્રુઆરીનો દિવસ ‘વેલેન્ટાઈન ડે’ની જગ્યાએ ‘બ્લેક ડે’ બની ગયો છે. લોકોએ સ્વેચ્છાએ જ વેલેન્ટાઈન ડે ઉજવણી બંધ કરી છે.

14 ફેબ્રુઆરી, 2019ના એ કારમા દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં CRPFના 44 જવાનો વીરગતિને પામ્યાં હતા, આ હુમલાની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન જૈશ-એ-મુહમ્મદે લીધી હતી.દેશના અનેક લોકો ‘વેલેન્ટાઈન ડે’ માટેની તૈયારી કરી રહ્યા હતા. તેવામાં સમાચાર આવ્યા હતા કે, એક ભયાનક આતંકી હુમલામાં દેશના સેંકડો જવાનો હોમાઈ ગયા છે. દેશની રક્ષા કરતાં-કરતાં એ જવાનો રાષ્ટ્ર માટે શહીદ થઇ ગયા છે. આ એક ઘટનાએ દેશમાં દુઃખ નો માહોલ ઉભો કરી દીધો હતો અને તે દિવસે લોકોએ વેલેન્ટાઈન ઉજવવાના બદલે શોક મનાવ્યો હતો.
CRPFના કાફલામાં 60 થી વધુ વાહનો સામેલ હતા અને તેમાં 2 હજાર 547 સૈનિકો હાજર હતા. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જ્યારે CRPF કાફલો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવંતીપોરાના ગોરીપોરા નજીક પહોંચ્યો, ત્યારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં વિસ્ફોટક ભરેલી કારને ટક્કર મારીને CRPF જવાનોને લઈ જતી બસને નિશાન બનાવી હતી. જેના કારણે જોરદાર બ્લાસ્ટમાં 44 જવાનો શહીદ થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બસના પણ ટુકડા થઈ ગયા હતા.
જોકે, પુલવામાં હુમલા બાદ કેન્દ્ર સરકાર પણ સખત બની ગઈ હતી. CRPFના 40 જવાનોના બલિદાનનો બદલો વીણી-વીણીને લેવામાં આવ્યો હતો. હુમલા પછી, 25 ફેબ્રુઆરી 2019 ના રોજ મોડી રાત્રે, મિરાજ-2000 વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી અને 26 ફેબ્રુઆરી 2019 ના રોજ, ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદ સંગઠન મોટા પ્રમાણમાં બરબાદ થઈ ગયું હતું. ભારતના આ હુમલામાં લગભગ 300 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલાને બાલાકોટ સ્ટ્રાઈક નામ આપવામાં આવ્યું હતું.
આટલી વધુ માત્રામાં આતંકીઓને ઠાર માર્યા હતા. પરંતુ દેશના લોકો એ વિરગત પરિવારોના આક્રંદને ભૂલી શક્યા નહોતા. ત્યારથી લઈને આજે 2025 સુધી પણ લોકો તે ભયાનક દિવસને ભૂલી શક્યા નથી.