કેજરીવાલ સરકારના ઘડાલાડવાની તૈયારી?
દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રપતિએ ગૃહ સચિવને મોકલ્યું
કેજરીવાલના નેતૃત્વ વાળી દિલ્હી સરકારનું વિસર્જન કરવાની માંગણી કરતું ભાજપના ધારાસભ્યોનું આવેદનપત્ર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ‘યોગ્ય ધ્યાન’ આપવાની નોંધ સાથે ગૃહ સચિવને મોકલી આપતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.
દિલ્હીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની આગેવાની હેઠળ 30 મી ઓગસ્ટના રોજ દિલ્હી વિધાનસભાના ભાજપના ધારાસભ્યોએ કેજરીવાલના જેલવાસને કારણે દિલ્હીમાં બંધારણીય સંકટ ઉભું થયું હોવાનું જણાવી એ સરકારને બરખાસ્ત કરતી માગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સુપ્રત કર્યું હતું.
તેમાં કેજરીવાલ સરકારની નિષ્ફળતાઓની યાદી સામેલ કરવામાં આવી હતી. દિલ્હી સરકાર છઠ્ઠા નાણાપંચ નું ગઠન નથી કરી શકી તે બંધારણનું ઉઘાડું ઉલ્લંઘન છે અને તેને કારણે દિલ્હી નગર નિગમ નાણાંભીડ ભોગવી રજાનો આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભંડોળની ફાળવણીના અભાવે અનેક કલ્યાણકારી યોજનાઓ અટકી ગઈ હોવાનો અને સાથે જ દિલ્હીની સરકાર ઇરાદાપૂર્વક કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓમાં વિઘ્ન નાખતી હોવાનો પણ તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
એ આવેદનપત્ર આપ્યાના દસ દિવસ બાદ મંગળવારે રાષ્ટ્રપતિ કાર્યાલયે યોગ્ય ધ્યાન આપવાની સૂચના સાથે ગૃહ સચિવને મોકલી આપતાં દિલ્હીના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
આમ આદમી પાર્ટીની તીખી પ્રતિક્રિયા
દિલ્હી સરકારનું વિસર્જન કરવાની ભાજપની માગણીને વખોડતા આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ ભાજપ અત્યારથી જ હાર ભાળી ગયો હોવાથી હવે સરકારનું વિસર્જન કરવા માટે ષડયંત્ર રચી રહ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં ચૂંટણીમાં વિજય ન મેળવી શકતો ભાજપ કેજરીવાલ સરકારના કાર્યોમાં વિઘ્નો નાખી સમાંતર સરકાર ચલાવવાનો પ્રયાસ કરે છે.