પ્રસાદમ વિવાદમ : CBI તપાસની માંગ, કેન્દ્રએ રીપોર્ટ માંગ્યો
FSSAIને તપાસ કરવા આરોગ્ય મંત્રીનો આદેશ
નડ્ડાએ ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી
કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન આંધ્ર પ્રદેશનાં તિરુપતિ મંદિરના પ્રસાદરૂપે અપાતા લાડુમાં જાનવરોની ચરબીનાં ઉપયોગ થયાનો ખુલાસો થયા બાદ લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે.બીજી તરફ આ મામલામાં કેન્દ્ર સરકારે ઝુકાવ્યુ છે અને રાજ્ય સરકાર પાસે રીપોર્ટ માગ્યો છે. આ મામલામાં ભાજપ અને કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગ કરી છે તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ મામલામાં ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ને તપાસનો આદેશ પણ આપ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ તિરુમાલા લડ્ડુ પ્રસાદમમાં ભેળસેળ અંગે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી હતી અને આંધ્રપ્રદેશ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો.તેમણે કહ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા રિપોર્ટની તપાસ કરશે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુપતિના લાડુમાં પ્રાણીની ચરબીના ઉપયોગ અંગેના આરોપોની તપાસની માંગ કરી હતી.
ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટના અવસરે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે આંધ્રના મુખ્યમંત્રીએ જે પણ કહ્યું છે તે ગંભીર ચિંતાનો વિષય છે. વિગતવાર તપાસ જરૂરી છે અને દોષિતોને સજા થવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે તિરુપતિ પ્રસાદમ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર છે. સીબીઆઈએ તપાસ કરવી જોઈએ કે પ્રસાદમાં વપરાતા ઘી પાછળ કેટલા પૈસા ખર્ચાયા?
આંધ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વાયએસ શર્મિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કરોડો હિંદુઓ દ્વારા પૂજવામાં આવતા દેવતા વેંકટેશને બદનામ કરવામાં આવ્યો છે. અમે સીએમ ચંદ્રબાબુ નાયડુ પાસેથી માંગણી કરીએ છીએ. જો તમારા આરોપોમાં કોઈ રાજકીય પરિમાણ ન હોય, જો તમારી ભાવનાઓનું રાજકારણ કરવાનો કોઈ ઈરાદો ન હોય, તો તરત જ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરો. અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવો.
જગન મોહન સામે રા.સુ.ધા લગાવવા માંગ
સુપ્રિમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને આંધ્રનાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ઉપરાંત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓ તેમ જ પ્રસાદી સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, આ બધાએ કરોડો હિંદુ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે તેથી આ તમામ સામે નેશનલ સિક્યુરિટી એકટ ( રાષ્ટ્રીય સુરક્ષા ધારો ) ઉપરાંત બી.એન.એસ.ની કલમ ૧૫૨, ૧૯૨, ૧૯૬, ૨૯૮ અને ૩૫૩ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે. તેમણે કરેલો ગુનો રાષ્ટ્ર સુરક્ષા માટે ખતરો છે.