ભારત બંધને આંશિક પ્રતિસાદ
સુપ્રીમના ક્રિમિલેયર અને સબ કેટેગરી સીસ્ટમના હુકમ સામે વિરોધ: બિહાર, રાજસ્થાન, ઝારખંડ, ઓડિસામાં અસર: પટણામાં લાઠીચાર્જ: ટે્રનો રોકાઈ: ગુજરાતમાં અમુક જ શહેરોમાં અસર: બાકીના રાજ્યોમાં બંધ નિષ્ફળ
સુપ્રીમ કોર્ટ તરફથી એસસી/એસટી અનામતમાં ક્રિમિલેયર અને સબ કેટેગરી સીસ્ટમ લાગુ કરવા અંગેના અપાયેલા ચૂકાદાના વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા બંધનું એલાન અપાયું હતું જેના પગલે દેશના અલગ-અલગ રાજ્યોમાં જો કે થોડાક જ રાજ્યોમાં બંધની અસર દેખાઈ હતી. ખાસ કરીને બિહાર અને રાજસ્થાનમાં તેમજ ઓડિસામાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી અને ભારે બબાલો થઈ હતી. બિહારના કેટલાક શહેરોમાં તેમજ રાજસ્થાનમાં પણ ટે્રન રોકવાનો પ્રયાસ થતાં અને વાહન વ્યવહાર અટકાવવાનો પ્રયાસ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સૌથી વધુ બબાલ પટણામાં થઈ હતી. ઝારખંડમાં પણ બંધની વ્યાપક અસર દેખાઈ હતી.
જ્યારે યુપી, એમપી, પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા હરિયાણા, આસામ સહિતના રાજ્યોમાં કોઈ અસર જોવા મળી ન હતી. ગુજરાતમાં આંશિક અસર એટલે કે અમુક જ પોકેટમાં અસર દેખાઈ હતી. બંધના એલાનને કેટલીક રાજકીય પાર્ટીઓએ ટેકો આપ્યો હતો જેમાં સપા, આઝાદ સમાજ પાર્ટી, બસપા, રાજદ, એલજેપી અને ભારત આદિવાસી પાર્ટીનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો હતો. બિહાર અને રાજસ્થાનમાં બંધની વ્યાપક અસર રહી હતી અને પટણામાં ટે્રન રોકવાનો પ્રયાસ થયો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને પ્રદર્શનકારીઓને વિખેર્યા હતા. જ્યારે યુપી વેસ્ટમાં ભીમ અર્મીએ માર્ચ કાઢી હતી. રાજસ્થાનમાં પાંચ જિલ્લાઓમાં સ્કૂલો બંધ રહી હતી નેટ પણ બંધ કરી દેવાયું હતું. ઝારખંડમાં પણ કેટલાક શહેરોમાં ચક્કાજામ જેવી સ્થિતિ થઈ હતી.
ગુજરાતમાં થોડાક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયું હતું અને કેટલાક શહેરોમાં આંશિક રીતે દુકાનો બંધ રહી હતી. ગત ૧લી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની ૭ જજની બેન્ચ દ્વારા એવો ફેંસલો અપાયો હતો કે, એસસી/એસટી અનામતમાં સબ ક્વોટા બનાવી શકાય છે અને રાજ્ય સરકારો તેના માટે કાયદો ઘડી શકે છે. જો કે, દલિત અને આદિવાસી સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. બંધ દરમિયાન કોઈ હિંસક ઘટના ક્યાંય બની ન હતી.