એક દેશ એક ચુંટણી બિલ આજે લોકસભામાં રજૂ થશે
ભાજપ દ્વારા સોમવારે જ તમામ સાંસદોને વ્હીપ અપાયો હતો
દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે લાવવામાં આવી રહેલો એક દેશ એક ચુંટણી ખરડો મંગળવારે એટલે આજે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બિલને ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવી શકે છે. એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે બંધારણ (૧૨૯મો સુધારો) બિલ ૨૦૨૪, જેને એક દેશ, એક ચૂંટણી બિલ કહેવામાં આવે છે, તે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવશે.
સોમવારે સાંજે ભાજપ દ્વારા તમામ સાંસદોને વ્હીપ આપવામાં આવ્યો હતો અને ગૃહમાં હાજર રહેવાની સૂચના અપાઈ હતી. આ ખરડો મંગળવારે રજૂ થશે તે નિશ્ચિતપણે મનાય છે અને સરકારે તૈયારી કરી લીધી છે.
જેપીસીને મોકલવામાં આવશે
લોકસભામાં બિલ રજૂ કર્યા બાદ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને આ બિલને વિસ્તૃત ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની અપીલ કરી શકે છે.
ચર્ચા માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે, જેમાં શાસક પક્ષની સાથે વિપક્ષના સાંસદોને પણ સામેલ કરવામાં આવશે. સૌથી મોટો પક્ષ હોવાના કારણે આ સમિતિનું અધ્યક્ષપદ ભાજપને મળશે. સંયુક્ત સમિતિમાં વિવિધ પક્ષોના સાંસદોની સંખ્યા પ્રમાણસર નક્કી કરવામાં આવશે.