રાજ્યસભાના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત
સંસદના ૭૬ વર્ષના ઇતિહાસમાં પ્રથમ આંચકાજનક ઘટના
શાસક-વિપક્ષની લડાઇ ચરમસીમાએ સોરોસ અને અદાણીના મુદ્દે બંને ગૃહો મુલતવી
જો કે પ્રસ્તાવ પર ગૃહના કોઇ પક્ષના નેતા કે સોનિયાના પણ હસ્તાક્ષર નથી; નિષ્ણાતોના મતે પ્રસ્તાવ પડી જશે
સંસદના શિયાળુ સત્રને તોફાન સત્ર બનાવી દેવાયા બાદ પણ હજુ તોફાન શમ્યું નથી અને સોંરોસ તથા અદાણીના મુદા પર સંસદના બંને ગૃહોમાં ધમાલ યથાવત રહી છે ત્યારે સરકાર અને વિપક્ષ વચ્ચેની લડાઈ હવે રાજ્યસભાના ચેરમેન સુધી પહોંચી ગઈ છે. સંસદના ૭૬ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર જ આંચકાજનક ઘટના આકાર લઇ ગઇ હતી. ઈન્ડિયા બ્લોક રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મંગળવારે લાવ્યો હતો. જો કે તેના પર ગૃહના કોઈ પક્ષના નેતાના હસ્તાક્ષર નથી. સોનિયા ગાંધીના પણ હસ્તાક્ષર નથી. કલમ ૬૭-બી હેઠળ આ નોટિસ અપાઈ છે. ચેરમેન પદેથી ધનખડને હટાવવાની માંગણી કરાઇ છે.
વિપક્ષના સાંસદોએ રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. કોંગી નેતા જયરામ રમેશે આ માહિતી આપીને કહ્યું હતું કે લોકતંત્રના હિતમાં આ પગલું લેવાયું છે. ચેરમેન કાર્યવાહીમાં પક્ષપાત કરી રહ્યા છે. વિપક્ષને બોલવા દેતા નથી. આ નોટિસ પર કોંગ્રેસ, ટીએમસી, આપ, એસપી, ડીએમકે સીપીઆઇ, સીપીઆઇ-એમ અને રાજદ સહિત ઘણી પાર્ટીઓના ૬૦ સાંસદોના હસ્તાક્ષર છે. વિપક્ષ ધનખડ પર પક્ષપાતી રીતે ગૃહ ચલાવવાનો આરોપ લગાવાયો છે. જો કે મંગળવારે પણ બંને ગૃહોમાં સોંરોસના મુદ્દે ભારે ધમાલ વચ્ચે બંને ગૃહ મુલતવી રાખી દેવાયા હતા.
મંગળવારે ૧૧ વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ. લોકસભામાં હંગામાને કારણે સૌપ્રથમ ગૃહની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ૧૨ વાગે કાર્યવાહી શરૂ થયા બાદ પણ અદાણી-જ્યોર્જ સોરોસ મુદ્દે હોબાળો ચાલુ રહેતાં સ્પીકરે ગૃહને બુધવાર સુધી સ્થગિત કરી દીધું હતું. હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
પરાજિત થશે પ્રસ્તાવ જુઓ નંબર ગેમ
રાજ્યસભાના અધ્યક્ષ દેશના ઉપરાષ્ટ્રપતિ છે, તેથી તેમને હટાવવા માટે બંને ગૃહોમાં સાદી બહુમતી જરૂરી છે. લોકસભામાં હાલમાં ૫૪૩ સભ્યો છે, જ્યાં સત્તાધારી પક્ષ પાસે કુલ ૨૯૩ સાંસદો છે.
વિપક્ષ પાસે ૨૪૯ સાંસદોનું સમર્થન છે, જે ૨૭૨ના બહુમતીના આંકડા કરતા લગભગ ૨૩ ઓછું છે. હાલમાં સત્તાધારી પક્ષને ટેકો આપનાર કોઈપણ પક્ષમાંથી નારાજગીના સમાચાર નથી. આવી સ્થિતિમાં લોકસભામાં ધનખર વિરુદ્ધ પ્રસ્તાવ ભાગ્યે જ પસાર થશે. આ પ્રસ્તાવ પરાજિત જ થશે તે નિશ્ચિત મનાય છે.
રાજ્યસભામાં કુલ ૨૪૫ સભ્યો છે, જ્યાં બહુમત માટે ૧૨૩ સભ્યોની જરૂર છે. એકલા ભાજપ પાસે ૯૫ સભ્યો છે. જેડીયુના ૪ સભ્યો છે. ૬ નોમિનેટેડ સાંસદો છે, જે સામાન્ય રીતે સરકારને ટેકો આપે છે.
કુલ આંકડાઓ પર નજર કરીએ તો હાલમાં એનડીએ પાસે ૧૨૫ સાંસદોનું સમર્થન છે. આ સિવાય બીજેડીના ૭ અને વાયએસઆરના ૮ સાંસદો છે, જેઓ ભારત ગઠબંધનની વિરુદ્ધ છે.